જામનગરની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી બિરલા ગ્રાસીમ કંપનીમાં પહોંચાડવામાં આવતા લાખો રૂપિયાના રિફાઈન્ડ સલ્ફરની ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ટ્રક ડ્રાઈવર અને માલિકે રસ્તામાં જ ૭.૬૦ લાખ રૂપિયાનો સલ્ફરનો જથ્થો સગેવગે કરીને તેની જગ્યાએ મીઠા જેવો પદાર્થ ભેળવી દીધો હતો. આ ઘટનાએ ઔદ્યોગિક પરિવહન ક્ષેત્રે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
પોલીસ ફરિયાદ અનુસાર ટ્રક નંબર G.J.17-UU-3008 ના માલિક હરદીપસિંહ રામદેવસિંહ સરવૈયા અને ડ્રાઈવર જયેશભાઈ અરવિંદભાઈ ડાંગર જે બંને જામનગરના રહેવાસી છે, તેમને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જામનગરથી વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપની સુધી ૩૧.૧૦૦ મેટ્રિક ટન રિફાઈન્ડ સલ્ફર પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ સલ્ફરની કિંમત ૭,૬૦,૧૪૬/- હતી. આરોપીઓએ તા. ૧૦/૦૮/૨૦૨૫ ના રાત્રિના ૧૨:૦૦ વાગ્યાથી તા. ૧૨/૦૮/૨૦૨૫ ના સવારના ૦૯:૦૦ વાગ્યા દરમિયાન રસ્તામાં ટ્રક રોકીને તેમાંથી સલ્ફરનો જથ્થો કાઢી લીધો અને તેની જગ્યાએ કોઈ અન્ય પદાર્થ ભેળવી દીધો હતો.
છેતરપિંડી અંગે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી છે. અને ટૂંક સમયમાં જ તેમની ધરપકડ થવાની શક્યતા છે. આ પ્રકારના ગુનાઓથી ઔદ્યોગિક એકમોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પોલીસ અધિકારીઓએ આવી ઘટનાઓને અટકાવવા માટે સઘન પેટ્રોલિંગ અને તપાસની ખાતરી આપી છે. આ કિસ્સો ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રમાં પરિવહન સુરક્ષાની નબળી કડીઓ ઉજાગર કરે છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com