ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં ત્રણ દિવસ પહેલાં બનેલી એક ટ્રક અકસ્માતની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ અકસ્માત નહોતો, પરંતુ પૂર્વ આયોજિત હત્યાનું કાવતરું હતું. રાજકીય અદાવતને કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને પોલીસે આ મામલે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ગત ૧૩મી ઓગસ્ટે શિયાલી-બાંડાબેડા ત્રણ રસ્તા પાસે એક ટ્રક નં. GJ-16-W-9345) એ એક બાઇકને ટક્કર મારી હતી, જેમાં બાઇકસવાર ભોગીલાલ વસાવાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. શરૂઆતમાં આ ઘટનાને સામાન્ય અકસ્માત માનવામાં આવી હતી, પરંતુ પોલીસને તપાસ દરમિયાન શંકાસ્પદ બાબતો ધ્યાનમાં આવતાં પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી. ભરૂચના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને ઝઘડિયા GIDC પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી. આ તપાસમાં સામે આવ્યું કે ટ્રકનો ડ્રાઇવર સુનિલ નાનુભાઈ વસાવાએ અન્ય આરોપીઓ સાથે મળીને આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. મુખ્ય વોન્ટેડ આરોપી રણજીત રતિલાલ વસાવાના ઇશારે જાણીજોઈને ટ્રક ચલાવી ભોગીલાલને કચડી નાખવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, આરોપીઓ દિલીપ જાલમસિંગ વસાવા ઉર્ફે ડી.જે. અને નિપુલ રમેશભાઈ વસાવાએ ગુનાને છુપાવવા માટે ઘટનાસ્થળના CCTV ફૂટેજ ડિલીટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડીને ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યા પાછળનું મુખ્ય કારણ રાજકીય અદાવત છે. આરોપી રણજીત વસાવાની પત્ની શિયાલી ગ્રામ પંચાયતની સરપંચ છે, જ્યારે મૃતક ભોગીલાલ વસાવા પૂર્વ સરપંચ હતા. બંને વચ્ચે લાંબા સમયથી રાજકીય દુશ્મનાવટ ચાલી રહી હતી અને અનેકવાર બોલાચાલી પણ થઈ હોવાનું બહાર આવ્યું છે.
આ કિન્નાખોરીના કારણે જ ભોગીલાલની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ માને છે. હાલ પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ સમગ્ર કાવતરાના મુખ્ય સૂત્રધાર અને સરપંચ પતિ રતિલાલ વસાવાને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com