Geo Gujarat News

ભરૂચ: નંદેલાવ માર્ગ પર અકસ્માત, ઓવરલોડેડ ડમ્પરોના આતંકથી સ્થાનિકોનો રોષ, મોટી દુર્ઘટના ટળી, તંત્ર સામે સવાલો

ભરૂચ શહેરના નંદેલાવ માર્ગ પર રેલવે ગોદી પાસે આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાતા ખળભળાટ મચી ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર ઓવરલોડેડ ડમ્પરોની સમસ્યાને ઉજાગર કરી છે, જેના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સવારે રેલવે ફાટક પાસે આગળ ચાલી રહેલો એક ડમ્પર અચાનક રિવર્સમાં આવતા તેની પાછળ આવી રહેલી ઈનોવા કાર અને પાછળના એક ડમ્પર વચ્ચે ફસાઈ ગઈ હતી. ઈનોવા કાર ચાલકે સમયસૂચકતા વાપરી અને પાછળનો ડમ્પર ઉભો હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, આ ઘટનામાં ઈનોવા કારને મોટું નુકસાન થયું છે.

આ ઘટના બાદ નંદેલાવ માર્ગ પરથી પસાર થતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રેલવે ગોદીમાંથી રોજબરોજ સેંકડો ઓવરલોડેડ ડમ્પરો માલસામાનની હેરફેર કરે છે. આ ભારે વાહનો માર્ગ પરથી પસાર થતા અન્ય નાના વાહનો અને રાહદારીઓ માટે સતત જોખમ ઊભું કરે છે. આ અકસ્માત બાદ સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને તંત્ર તેમજ આરટીઓ વિભાગ દ્વારા ઓવરલોડેડ ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

તેઓનું કહેવું છે કે જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ થવાનો ભય રહેલો છે. આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લેવા જરૂરી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *