ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા બે મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીની અંકલેશ્વર મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાંથી સીસું ચોરવાના ગુનામાં શોધખોળ ચાલી રહી હતી. જિલ્લામાં નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલી સૂચના બાદ, LCB પી.આઈ. એમ.પી.વાળાએ સ્ટાફની વિવિધ ટીમો બનાવી હતી. આ ટીમો પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન LCB પી.એસ.આઈ. ડી.એ.તુવરને બાતમી મળી કે અંકલેશ્વર મામલતદાર કચેરીના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ગુલ્ફાન મહમદ સલીમ શાહ હાલમાં કાપોદરાની સનવેલી સોસાયટીના મકાન નં. ૩૫ માં હાજર છે. બાતમીના આધારે LCBની ટીમે તાત્કાલિક દરોડો પાડીને આરોપી ગુલ્ફાન શાહને ઝડપી લીધો હતો. ગુલ્ફાન શાહ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને હાલ કાપોદરામાં રહે છે. પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે આશરે બે મહિના પહેલા અંકલેશ્વર મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાંથી જે સીસું ચોરાયું હતું, તે ગુનામાં તે વોન્ટેડ હતો. LCB ટીમે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને વધુ તપાસ માટે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને સોંપ્યો છે. આ સફળતાથી જિલ્લામાં ગુનાખોરીને અંકુશમાં લેવાના પોલીસના પ્રયાસોને વધુ વેગ મળ્યો છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com