Geo Gujarat News

ભરૂચ: રાતોરાત બનેલા ‘વિકાસના બમ્પ’ બન્યા જીવલેણ, ભરૂચ-અંકલેશ્વર હાઇવે પર અકસ્માતોની હારમાળા

ભરૂચથી અંકલેશ્વર તરફ જતા જૂના નેશનલ હાઇવે નંબર 8 પર રાતોરાત બનાવવામાં આવેલા બેદરકારીભર્યા બમ્પ્સ વાહનચાલકો માટે જીવનું જોખમ બની રહ્યા છે. કોઈ પણ જાતના સૂચના બોર્ડ, રિફ્લેક્ટર કે રેડિયમ પટ્ટા વિના અચાનક ઊભા કરાયેલા આ બમ્પ્સના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે, જેમાં વાહનચાલકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો છે. સ્થાનિક લોકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. હાઇવે પર જ્યારે વાહનોની અવરજવર સામાન્ય હતી, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ઉતાવળમાં આ બમ્પ્સ બનાવી દેવાયા હતા. પરંતુ સૌથી મોટી બેદરકારી એ હતી કે તેના પર સલામતી માટે જરૂરી એવા સફેદ કે રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા ન હોતા. આ કારણે રાત્રિના અંધારામાં આ બમ્પ્સ વાહનચાલકોને દેખાયા ન હોતા. પરિણામે અનેક વાહનો ખાસ કરીને ટુ-વ્હીલર્સ ધડાકાભેર બમ્પ સાથે અથડાયા હતા. આ અકસ્માતોમાં કેટલાક ટુ-વ્હીલર સવારો પટકાયા હતા અને તેમને ઇજાઓ પણ થઈ હતી. એક એમ્બ્યુલન્સ પણ આ બમ્પ પરથી ધડાકાભેર ઉછળી હતી, જે દર્શાવે છે કે આ બમ્પ્સ કેટલા ખતરનાક છે. આવા સંજોગોમાં, જો કોઈ કટોકટીમાં દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હોત તો તેની ગંભીરતા કલ્પના બહારની હોઈ શકે છે.

આ ઘટનાએ રોડ સેફ્ટીના નિયમોના ગંભીર ઉલ્લંઘન અને જવાબદાર તંત્રની બેદરકારી પર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સામાન્ય રીતે રોડના સમારકામમાં ધીમી ગતિએ કામ કરતું તંત્ર આ બમ્પ્સ બનાવવામાં કેમ આટલું ઉતાવળું બન્યું? કોઈ પણ જાતની પૂર્વ સૂચના, સાઈન બોર્ડ કે રિફ્લેક્ટર વિના બમ્પ્સ બનાવવાની આ પ્રવૃત્તિ સ્પષ્ટપણે કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગત સૂચવે છે. આ બમ્પ્સના કારણે થતા અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકોની માંગ છે કે આવા બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે બમ્પ્સ પર રેડિયમ પટ્ટા લગાડીને વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે. આમ વિકાસના નામે બનેલા આ બમ્પ્સ વાસ્તવમાં જીવલેણ સાબિત થઈ રહ્યા છે, અને જ્યાં સુધી તંત્ર આ અંગે ગંભીરતાથી પગલાં નહીં ભરે ત્યાં સુધી આ માર્ગ પર અકસ્માતોની સંખ્યા વધતી રહે તો નવાઈ નહીં.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *