અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ગણેશ પાર્ક-3 સોસાયટીમાં એક વિચિત્ર ઘટનામાં બે અજાણ્યા ઠગબાજોએ એક મહિલાને દાન આપવાની લાલચ આપીને તેમની પાસેથી ₹1.67 લાખના સોનાના દાગીના ઉતરાવી લીધા અને પર્સ લઈને ફરાર થઈ ગયા. આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ગણેશ પાર્ક-3માં રહેતા હીરાબેન પ્રભાકર ખરાડે ગતરોજ સાંજે 4 વાગ્યાની આસપાસ પોતાની દીકરીના ઘરે પગપાળા જઈ રહ્યા હતા. તે સમયે સોસાયટીના ગેટ પાસે બે અજાણ્યા ઈસમોએ તેમને રોક્યા હતા. તેમણે હીરાબેનને જણાવ્યું કે તેમના શેઠના ઘરે દીકરાનો જન્મ થયો છે અને તેઓ ગરીબ લોકોને દાન આપે છે. આ માટે તેમણે હીરાબેનને અવધૂત વિલા સોસાયટીમાં લઈ જવાની વાત કરી હતી.
ઠગોએ હીરાબેનને ભોળવીને કહ્યું કે, તમે ઘરેણાં પહેર્યા છે. તેથી અમારા શેઠ તમને ગરીબ નહીં સમજે અને દાન નહીં આપે. તમે બધા ઘરેણાં ઉતારી દો જેથી તમે ગરીબ જેવા લાગો. આ વાત પર વિશ્વાસ કરીને હીરાબેને પોતાના ગળામાં પહેરેલું દોઢ તોલાનું સોનાનું મંગળસૂત્ર જેની આશરે કિંમત 1,39,185 અને કાનમાં પહેરેલી ત્રણ ગ્રામની સોનાની કડીઓ જેની આશરે કિંમત 27,837 જે ઉતારી દીધા હતા. ઠગોએ તેમને એક થેલી આપી, જેમાં બિસ્કિટના પેકેટ હતા અને 200 રોકડા આપ્યા હતા. આ દરમિયાન, નજર ચૂકવીને ઠગબાજોએ હીરાબેનનું પર્સ લઈ લીધું જેમાં તેમના ઘરેણાં હતા. કુલ 1,67,022/- ના દાગીનાની છેતરપિંડી કરીને તેઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ હીરાબેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી આ ઠગબાજોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પ્રકારની ચીલઝડપ અને ઠગાઈની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે, ત્યારે લોકોને આવા અજાણ્યા ઈસમોથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com