આમોદ તાલુકાના તણછા ગામ નજીક એક ક્રેતા કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.
સમયસર બચાવ થતા જાનહાનિ ટળી, પણ આમોદનું ફાયર બ્રિગેડ બંધ હોવાથી તંત્ર સામે રોષ. : પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ગત રાત્રીના આમોદ તાલુકાના તણછા ગામ પાસે બની હતી. અચાનક કારના એન્જિનમાંથી ધુમાડા નીકળતા જોઈને કાર ચાલકે સમયસૂચકતા વાપરી કાર ઊભી રાખી દીધી હતી. જોકે, થોડીકજ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. આગની જાણ થતાં તાત્કાલિક સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આમોદ નગરપાલિકાનું ફાયર બ્રિગેડ બંધ હોવાને કારણે જંબુસર નગરપાલિકાના ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું. જંબુસરથી આવેલી ફાયર ફાઈટરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં કારનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આમોદ-જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે કારમાં સવાર લોકોના ખબર-અંતર પૂછીને તેમને સાંત્વના આપી હતી. અને મદદની ખાતરી આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઘટના બાદ આમોદના ફાયર બ્રિગેડની સ્થિતિ અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે.
તંત્રની બેદરકારી અને આમોદના ફાયર બ્રિગેડની સ્થિતિ : આ ઘટનાએ તંત્રની બેદરકારી અને આમોદના ફાયર બ્રિગેડની કથળતી હાલતને ઉજાગર કરી છે. જ્યારે લોકોએ તાત્કાલિક મદદ માટે આમોદ ફાયર બ્રિગેડનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે બંધ હોવાનું અને કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળ્યું. આ મોડી રાત્રિની ઘટનામાં, જો સમયસર આગને કાબૂમાં ન લેવાઈ હોત તો મોટી જાનહાનિ થઈ શકતી હતી.
આમોદનું ફાયર બ્રિગેડ બંધ હોવાને કારણે તંત્રની બેદરકારી સામે સવાલો : આવા સંજોગોમાં, આમોદ તાલુકાના નાગરિકોને કટોકટીના સમયે મદદ માટે પડોશી તાલુકા જંબુસર પર આધાર રાખવો પડે છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. લાંબા સમયથી બંધ પડેલા ફાયર બ્રિગેડને ફરીથી કાર્યરત કરવા માટે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આ પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે સ્થાનિક વહીવટી તંત્ર નાગરિકોની સુરક્ષા પ્રત્યે કેટલી બેદરકાર છે. આ બાબત તંત્રની ગંભીર બેદરકારી અને આળસનું પ્રતિબિંબ પાડે છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com