ભાજપના શાસનમાં ‘ખાડા રાજ’ અને ‘ગટર રાજ’થી ત્રસ્ત નાગરિકોએ રાજકારણ છોડી પ્રજાહિતમાં કામ કરવા માંગ કરી : આમોદમાં જ્યાં જુઓ ત્યાં રસ્તા પર ખાડા જ ખાડા અને ખુલ્લી ગટરો સામાન્ય દૃશ્ય બની ગયું છે. ચોમાસામાં આ ખાડાઓ પાણીથી ભરાઈ જતાં નાના તળાવ જેવા લાગે છે, જે વાહનચાલકો અને રાહદારીઓ માટે ભારે જોખમ ઊભું કરે છે. તેવી જ રીતે, ખુલ્લી ગટરો સ્વચ્છતાના અભાવની ચાડી ખાય છે. આ ગટરોમાંથી દુર્ગંધ આવે છે અને રોગચાળાનું જોખમ પણ વધે છે. સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા આ સમસ્યાઓ પર ધ્યાન આપવામાં આવતું નથી, અને માત્ર દેખાવ પૂરતું સમારકામ કરવામાં આવે છે, જેના કારણે પ્રજાની મુશ્કેલીઓનો ક્યારેય અંત આવતો નથી. આ પરિસ્થિતિએ આમોદને ‘ખાડા રાજ’ અને ‘ખુલ્લી ગટર’ના ઉપનામો આપ્યા છે, જે સ્થાનિક વહીવટની નિષ્ફળતા દર્શાવે છે.
ભાજપના શાસનમાં નગરપાલિકાનો નિષ્ફળ વહીવટ, સ્થાનિકોએ રાજકારણ છોડી પ્રજાહિતમાં કામ કરવા માંગ કરી. : આમોદ નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યા બાદ લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. રસ્તાઓની બિસ્માર હાલત, ખુલ્લી અને ઉભરાતી ગટરો, પાણીની સમસ્યાઓ, અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આમોદ હાલ “ખાડા રાજ” અને “ગટર રાજ” જેવા નામોથી કુખ્યાત થઈ રહ્યું છે. આ સમસ્યાઓને કારણે પ્રજાની હાલાકી વધી છે. અને વિરોધ પક્ષો તેમજ જાગૃત નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
ખખડધજ રોડ મુદ્દે સાજીદ રાણા આકરા પાણીએ, રસ્તા રોકો આંદોલનની ચીમકી : મુખ્યમંત્રીના આદેશ છતાં આમોદના મુખ્ય માર્ગોની દયનીય હાલત પર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સાજીદ રાણાએ તીવ્ર રોષ વ્યક્ત કર્યો છે. તેમણે સીધા શબ્દોમાં આરોપ લગાવ્યો છે કે સમગ્ર ગુજરાતમાં બિસ્માર માર્ગોને તાત્કાલિક રીપેર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્પષ્ટ સૂચના હોવા છતાં, આમોદને જાણીજોઈને અવગણવામાં આવી રહ્યું છે અને તેની સાથે ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું છે. તેમણે રોડ અને બિલ્ડિંગ્સ (R&B) વિભાગને પણ ગંભીર ટકોર કરી છે કે જો આ સમસ્યાનું તાકીદે સમાધાન નહીં થાય તો પ્રજાના હિતમાં રસ્તા રોકો આંદોલન જેવું ઉગ્ર પગલું ભરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. આ નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે સ્થાનિક નેતાગીરીમાં વ્યાપેલી બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે હવે પ્રજાના અવાજને બુલંદ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
આમ આદમી પાર્ટીનો ગટર સમસ્યા પર પ્રહાર : આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સલમાન યુસુફ તોરાબ પણ આ મુદ્દે મેદાનમાં આવ્યા છે. તેમણે માત્ર રસ્તાના ખાડા જ નહીં, પરંતુ ગટરની ગંભીર સમસ્યા પર પણ પાલિકા સામે બાયો ચડાવી છે. તેમણે જણાવ્યું છે કે સોસાયટીમાં જવાના રસ્તા પાસે જ ખુલ્લી ગટરો છે. આસપાસની સાફસફાઈ દરમિયાન કચરો ગટરમાં ઠાલવી દેવામાં આવે છે, જેથી ગટરો ચોંકાઈ જાય છે અને ગંદકી ફેલાય છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ગટર સાફ કરવાને બદલે તેમાં કચરો નાખીને પૂરી દેવામાં આવે છે, જે ગેરવહીવટ અને બેદરકારીનું સ્પષ્ટ ઉદાહરણ છે. તેમણે ખાસ કરીને બચ્ચો કા ઘરની સામેના મોટા અને જોખમી ખાડા તરફ ધ્યાન દોર્યું છે, જેને “મોતના ખાડા” તરીકે ઓળખાવ્યો છે. નજીકમાં સ્કૂલ અને મદરસા હોવાથી નાના બાળકોના જીવ જોખમમાં છે. તેમણે તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સમારકામની માંગ કરી છે, જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.
ભાજપ શાસનમાં ત્રસ્ત પ્રજા હવે કાયમી ઉકેલની માંગ સાથે મેદાનમાં. : સ્થાનિક નાગરિકે પણ ખાસ કરીને બચ્ચો કા ઘરની સામેના મોટા અને જોખમી ખાડા તરફ તંત્રનું ધ્યાન દોર્યું છે, જેને “મોતના ખાડા” તરીકે ઓળખાવ્યો છે. નજીકમાં સ્કૂલ અને મદરસા હોવાથી નાના બાળકોના જીવ જોખમમાં છે. તેમણે તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સમારકામની માંગ કરી છે, જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.
પ્રજાનો રોષ અને ભ્રષ્ટાચારના આક્ષેપો : પંથકના જાગૃત નાગરિકોનું કહેવું છે કે ભાજપનું બોર્ડ સત્તા પર આવ્યા બાદ આમોદની હાલત વધુ ખરાબ થઈ છે. ગંદકીના ઢગ, ખુલ્લી ગટરો, અને પાણીની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. અને નગરપાલિકાના અંદરો અંદરના વિખવાદનો ભોગ ભોળી પ્રજા બની રહી છે. નાગરિકોની માંગ છે કે રાજકારણ છોડીને પ્રજાહિતમાં કામ કરવામાં આવે. વિરોધ પક્ષ સહિત સ્થાનિક લોકો પણ કાયમી અને ગુણવત્તાયુક્ત કામોની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી આમોદને આ “કલંક”માંથી મુક્તિ મળે.
ઉકેલની જરૂરિયાત અને સ્થાનિક નેતાગીરીનો અભાવ : આમોદની વર્તમાન પરિસ્થિતિ એ વાતનો પુરાવો છે કે રાજકીય ઈચ્છાશક્તિના અભાવે સામાન્ય નાગરિકોને કેવી હાલાકી ભોગવવી પડે છે. નેશનલ હાઇવે નંબર 64 જેવા મહત્વના માર્ગોની આવી હાલતથી સ્થાનિક લોકો અને વાહનચાલકો બંને મુશ્કેલીમાં મુકાયા છે. જોકે, સૌથી મોટો મુદ્દો સ્થાનિક નેતાગીરીનો અભાવ છે. જ્યારે પણ કોઈ સમસ્યા ઊભી થાય છે, ત્યારે રાજકીય પક્ષો એકબીજા પર દોષારોપણ કરે છે. પરંતુ પ્રજાહિતમાં એક થઈને કામ કરતા નથી. પરિણામે સ્થાનિક પ્રશાસન પર કોઈ કડક નિયંત્રણ રહેતું નથી અને સમસ્યાઓનો કાયમી ઉકેલ આવતો નથી. પ્રજાની માંગ છે, કે તાત્કાલિક ધોરણે આ ખાડાઓનું સમારકામ થાય, ગટર વ્યવસ્થા સુધરે અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ થાય તે જરૂરી છે, જેથી આમોદના લોકોને મૂળભૂત સુવિધાઓ મળી રહે અને તેઓની સમસ્યાઓનો અંત આવે. સ્થાનિક નેતાઓએ રાજકીય વિખવાદો બાજુ પર મૂકીને પ્રજાના હિતમાં નક્કર પગલાં ભરવા જોઈએ તે હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com