ભરૂચથી જંબુસર તરફ જતો નેશનલ હાઈવે 64 પર આવેલું આમોદ નગર છેલ્લા પાંચ દિવસથી અકસ્માતોની વણઝારથી ત્રસ્ત છે. આ વિસ્તારમાં માત્ર 500 મીટરનો રસ્તો વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. અહીં રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડા અને ભુવાઓનું સામ્રાજ્ય છે, જેના કારણે સતત અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આજે પણ, આ રસ્તા પર એક પેસેન્જર ભરેલી બસ ખાડામાં ખાબકી હતી. સદનસીબે, બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. મુસાફરોને ગંદકીવાળા કાદવ-કીચડમાંથી ઉતારવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. સ્થાનિક લોકોની મદદથી બસને ટ્રેક્ટર વડે બાંધીને બહાર કાઢવામાં આવી હતી. પરંતુ આ ઘટનાએ ફરી એકવાર તંત્રની બેદરકારીને ઉજાગર કરી છે. આમોદના લોકોના મનમાં એક જ સવાલ ઉદ્ભવી રહ્યો છે. કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે?
આ પહેલા પણ, આ રસ્તા પર એક ટ્રક, બે ફોર-વ્હીલર અને એક ફોર-વ્હીલર બીટ ગાડી પલટી મારી ચૂકી છે. આ રોડ પર ઠેર-ઠેર ખાડા, ભુવા, ખુલ્લી ગટરો અને ઉડતા મેટલને કારણે વાહનચાલકોને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. આ ઉપરાંત, ધૂળની ડમરીઓ અને કાદવ-કીચડને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આ પરિસ્થિતિને કારણે, અહીં અકસ્માતો કોઈ નવી વાત નથી રહી. વાહનચાલકો અને રાહદારીઓ માટે આ રસ્તો મૃત્યુના કૂવા સમાન બની ગયો છે. એક તરફ, રસ્તાની આ હાલત છે અને બીજી તરફ, તંત્રની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળે છે. સવાલ એ થાય છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે, જેથી કડક કાર્યવાહી કરી શકાય? આમોદના લોકો હવે કહી રહ્યા છે કે તેમના જીવની કિંમત શૂન્ય છે, કારણ કે તંત્રને આ સમસ્યાની ગંભીરતા સમજાતી નથી.
વાહનચાલકોને આર્થિક નુકસાનનો મોટો ફટકો પણ આ ખરાબ રસ્તાઓને કારણે ભોગવવો પડી રહ્યો છે. વારંવાર થતા અકસ્માતોથી વાહનોને નુકસાન પહોંચે છે, જેના સમારકામ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ થાય છે. ટાયર ફાટવા, વ્હીલના એલાઈનમેન્ટ બગડવા, અને વાહનના અંદરના ભાગોને નુકસાન થવા જેવી સામાન્ય સમસ્યાઓ અહીં રોજિંદી બની ગઈ છે. વાહનચાલકોને માત્ર જીવનું જોખમ જ નહીં, પરંતુ તેમની મહેનતની કમાણીનું પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. તંત્રની નિષ્ક્રિયતાનો સીધો ભોગ વાહનમાલિકો બની રહ્યા છે, જેઓ રસ્તાના સમારકામ માટે ક્યારેય નાગરિકો પાસેથી લેવામાં આવતા ટેક્સનો હેતુ પૂરો થતો જોઈ શકતા નથી.
આમોદના રસ્તાઓની આ દયનીય હાલત સ્થાનિકોમાં ભારે રોષનું કારણ બની છે. વાહનચાલકો અને મુસાફરો હવે જાહેરમાં તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે એક તરફ સરકાર સ્માર્ટ સિટી અને વિકાસની વાતો કરે છે, અને બીજી તરફ નેશનલ હાઈવે જેવો મહત્વપૂર્ણ રસ્તો પણ સાચવી શકાતો નથી. આ રસ્તા પર થયેલા અનેક અકસ્માતો અને કેટલાંક લોકોના જીવ ગયા હોવા છતાં, કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. લોકો સ્પષ્ટપણે માની રહ્યા છે કે આ માત્ર બેદરકારી નથી, પરંતુ સત્તાવાળાઓની લાપરવાહી અને જવાબદારીના અભાવનું ઉદાહરણ છે. હવે પ્રશ્ન એ છે કે ક્યારે કોઈ ઉચ્ચ અધિકારી આ મુદ્દાની ગંભીરતા સમજશે અને આ રસ્તાનું યુદ્ધના ધોરણે સમારકામ કરાવશે, જેથી વધુ નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય.
આમોદમાં દરરોજ અકસ્માતોની ઘટનાઓ બની રહી છે, છતાં તંત્ર જાણે આંખે પાટા બાંધીને બેઠું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. શું વહીવટી અધિકારીઓને આ રસ્તા પર થતી જાનહાનિ અને આર્થિક નુકસાનની કોઈ ચિંતા નથી? શું તેમને તેમની ફરજનું ભાન નથી? આ તંત્રને સીધો સવાલ છે કે શું તેઓ પોતાની જવાબદારીઓમાંથી છટકી રહ્યા છે? નાગરિકો દ્વારા ચૂકવવામાં આવતા ટેક્સનો ઉપયોગ ક્યાં થાય છે, જ્યારે તેમના જીવ જોખમમાં મૂકાય છે? આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ ન લાવનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે તેમની બેદરકારી જ આ તમામ અકસ્માતોનું મૂળ કારણ છે. જો આ રીતે જ ચાલતું રહેશે, તો આમોદનો આ રસ્તો વધુ લોકો માટે યમરાજનો દરવાજો બની રહેશે. શું કોઈ ઉચ્ચ સ્તરીય તપાસ થશે?
સ્થાનિક મીડિયા દ્વારા આ સમસ્યા અંગે વારંવાર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે, પરંતુ “જાડી ચામડી ધરાવતું” તંત્રના પેટનું પાણી હલતું નથી. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે? શું કોઈનો જીવ ગયા પછી જ આ રસ્તાનું સમારકામ થશે? આમોદના નાગરિકો અને મુસાફરોને સત્તાવાળાઓ પાસે અપેક્ષા છે કે તેઓ તાત્કાલિક આ રસ્તાનું સમારકામ કરાવે જેથી કરીને વધુ અકસ્માતો અટકાવી શકાય અને લોકો સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે. પ્રજાની માંગણી છે, કે કોઈનો જીવ જાય એ પહેલા તંત્ર જાગે અને આ રસ્તાનું યોગ્ય સમારકામ કરાવે. જો તંત્ર આ બાબતે ઝડપથી કોઈ પગલાં નહીં ભરે તો ભવિષ્યમાં મોટી જાનહાનિ થવાની શક્યતા સેવાઈ રહી છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com