ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર દેશમાં નામના મેળવનાર વાગરા તાલુકાનું દહેજ ગામ આજે ગંદકી અને કાદવ-કીચડના સામ્રાજ્યથી ત્રસ્ત છે. આંગણવાડી, કંદોઈ ફળિયા, ઠુંઠયું ફળિયા અને મુખ્ય બજાર તરફ જતા રસ્તાઓ પર ગંદકીએ માજા મૂકી છે, જેનાથી સ્થાનિક લોકોનું જીવન દુષ્કર બન્યું છે.
દહેજ ગ્રામ પંચાયતની બેદરકારી? : દહેજ ગ્રામ પંચાયતની બેદરકારી અને સ્વચ્છતા પ્રત્યેની નિરસ્તા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. જ્યાં ભવિષ્યના ઘડતર માટે બાળકો અભ્યાસ કરે છે, તે આંગણવાડીની આસપાસ પણ ગંદકીનું સામ્રાજ્ય છે. આનાથી પણ વધુ શરમજનક બાબત એ છે કે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની આસપાસ પણ પશુઓનો મળ પ્રસર્યો છે, જેનાથી લોકોમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે.
વારંવાર રજૂઆતો છતાં તંત્ર બિનદાસ્ત! : ગામના જાગૃત નાગરિક અને રાજકીય અગ્રણી કિશોરસિંહ રાણાએ આ મુદ્દે અનેકવાર રજૂઆતો કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર ગંદકી અને કાદવ-કીચડના ફોટા વાયરલ કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ પણ કર્યો છે, છતાં દહેજ ગ્રામ પંચાયતના સત્તાધીશો મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ગ્રામજનોમાં ભય છે કે આ ગંદકીને કારણે ગામમાં ગંભીર રોગચાળો ફેલાઈ શકે છે.
તંત્ર એક્શન મોડમાં આવે તે સમયની માંગ : દહેજના ગ્રામજનો તંત્ર પાસેથી તાત્કાલિક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે. કુંભકર્ણની નિદ્રામાં પોઢી ગયેલું દહેજ ગ્રામ પંચાયત તંત્ર હવે આળસ ખંખેરીને એક્શન મોડમાં આવે, તે સમયની સાથે ગ્રામજનોની પણ માંગ છે. જો આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ નહીં આવે તો દહેજ ગામની નામના પર ગંદકીનું ગ્રહણ વધુ ગાઢ બનશે. 
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com