ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામમાં ગૌચરણની જમીન પર ગેરકાયદેસર રીતે રસ્તો બનાવવાના પ્રયાસ બદલ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) વિરુદ્ધ વાગરા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ગામની ગૌચરણની જમીનમાં કોઈપણ પ્રકારની દખલગીરી ન કરવા માટે GIDC સામે વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે. સુવા ગ્રામ પંચાયત દ્વારા GIDC વિરુદ્ધ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, જૂના સર્વે નંબર ૬૭૨ અને હાલના સર્વે નંબર ૫૩/૧ પૈકીની ૪૫ હેક્ટર જમીન ગૌચરણ માટે ફાળવવામાં આવી છે. આ જમીન સુવા ગ્રામ પંચાયતના હસ્તક અને વહીવટ હેઠળ છે. જોકે GIDC દ્વારા આ જમીન પર રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના કારણે પશુધનને ચરવામાં મુશ્કેલી ઊભી થતી હતી. ગ્રામ પંચાયત દ્વારા વિરોધ કરવા છતાં GIDC અટકતું ન હતું. અને પોલીસને બોલાવીને પંચાયતના સભ્યોને ધમકાવવામાં પણ આવ્યા હોવાના આક્ષેપો થયા હતા.
આ મામલે સુવા ગ્રામ પંચાયતે વકીલ કે.એસ મઢીવાલા દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જ્યારે GIDC એ વકીલ આર.જી વાળંદ મારફતે રજૂઆત કરી કે, દહેજ GIDCમાં ૨૦૦૦થી વધુ ઉદ્યોગો સ્થાપિત થયા છે અને જાહેર હિતમાં રોડ બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે વિરોધ થતા કામગીરી અટકાવી દેવામાં આવી છે. જોકે કોર્ટે રેકોર્ડ પરના પુરાવા અને બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં લીધા બાદ જણાવ્યું કે, સુવા ગ્રામ પંચાયત પાસે ૪૫ હેક્ટર ગૌચરણની જમીન હોવાનું પ્રથમ દૃષ્ટિએ સાબિત થાય છે. જો મનાઈ હુકમ ન આપવામાં આવે તો ગ્રામ પંચાયત અને ગામના પશુઓને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થાય તેમ છે. આખરે વાગરાના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી રાજેશકુમાર ચંદુભાઈ સોઢાપરમારે સુવા ગ્રામ પંચાયતની તરફેણમાં ચુકાદો આપતા GIDC સામે વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે. આ ચુકાદાથી ગૌચરની જમીન પર અતિક્રમણ રોકવા માટે એક મહત્વનો દાખલો બેઠો છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com