ઔદ્યોગિક નગરી તરીકે જાણીતું અંકલેશ્વર જીઆઇડીસી હવે ‘ખાડાઓની નગરી’ બની ગયું હોઈ તેમ પ્રતિત થઈ રહ્યું છે. કરોડોના ખર્ચે બે વર્ષ પહેલાં જ બનેલા રસ્તાઓની હાલત એવી થઈ છે કે, તે વિકાસના નહીં પણ ભ્રષ્ટાચારના જીવતા જાગતા પુરાવા બની ગયા છે. આ રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે. જે વાહનચાલકો માટે જીવનું જોખમ બન્યા છે. અંકલેશ્વર જીઆઇડીસીના રસ્તાઓ પર ઠેર-ઠેર નાના-મોટા ખાડાઓ જોવા મળે છે. અમુક ખાડા તો એટલા ઊંડા છે કે, તેમાં આખું ટાયર સમાઈ જાય! ચોમાસા દરમિયાન આ ખાડાઓ પાણીથી ભરાઈ જતાં તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ બની જાય છે. જેના કારણે અકસ્માતોનું જોખમ વધી જાય છે. આ પરિસ્થિતિ જોતા સવાલ થાય છે કે, શું આ રસ્તાઓ બનાવતી વખતે ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું? કે પછી માત્ર સરકારી તિજોરી ખાલી કરવા માટે જ આ કામ કરવામાં આવ્યું હતું?
આ રસ્તાઓ પરથી પસાર થતા વાહનચાલકો તેમાંય ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોની હાલત કફોડી બની છે. ખાડાઓથી બચવા માટે સતત વાહનોને આડા-અવળા કરવા પડે છે. જેનાથી અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. અનેક વાહનોના સ્પેરપાર્ટ્સ પણ આ ખાડાઓના કારણે તૂટી રહ્યા છે. જેનાથી તેમને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. આ પરિસ્થિતિ માટે સીધી રીતે તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરોની મનમાની જવાબદાર છે. કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ જો બે વર્ષમાં જ તૂટી જાય તો તે સ્પષ્ટ દર્શાવે છે કે, રસ્તા બનાવવામાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હશે. આ કામોનું બિલ પાસ કરતા પહેલાં અધિકારીઓએ કયા આધારે ગુણવત્તાની ખાતરી આપી હશે, તે એક મોટો સવાલ છે. સ્થાનિક ઉદ્યોગપતિઓ અને કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે, આ મામલે તાત્કાલિક તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જો આ પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો ઉદ્યોગોને પણ અસર થઈ શકે છે. અને કર્મચારીઓની સલામતી પણ જોખમમાં મુકાશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com