આમોદ નગરમાં ગણેશ વિસર્જન યાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમોદને એક સંવેદનશીલ નગર ગણવામાં આવે છે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે આજે વિસર્જન રૂટ પર ફ્લેગ માર્ચ યોજીને શાંતિ અને સુરક્ષાનો સંદેશ આપ્યો હતો. આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાએ ગણેશ વિસર્જન યાત્રા માટે તમામ હાજર પોલીસ જવાનોને જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે સંવેદનશીલ ધાર્મિક સ્થળો અને ધાબા પોઈન્ટ્સ પર ખાસ ધ્યાન રાખવાની સૂચના આપી હતી. આ ઉપરાંત, પોલીસે વિસર્જન રૂટ પર આવતા તમામ ધાબાઓનું પણ ખાસ ચેકિંગ કર્યું હતું.
આવતીકાલે યોજાનારી શ્રીજીની શોભાયાત્રા માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં 1 DySP, 5 PI, 9 PSI, 70 SRP જવાનો, 200 પોલીસ જવાનો, 100 હોમગાર્ડ, GRD અને બ્લેક કમાન્ડો સહિત કુલ 385 જવાનોનો વિશાળ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. આ વિશાળ પોલીસ કાફલાએ આજે આમોદ પોલીસ સ્ટેશનથી શ્રીજીના વિસર્જન રૂટ પર ફ્લેગ માર્ચ યોજી હતી. આ ફ્લેગ માર્ચનો હેતુ નાગરિકોને સુરક્ષાની ખાતરી આપવાનો અને કાયદો તથા વ્યવસ્થા જાળવવાનો હતો. પોલીસની આ ત્વરિત અને અસરકારક કામગીરીથી સ્થાનિક લોકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે.

યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com