Geo Gujarat News

વાગરા ગ્રામસભામાં લોકોનો આક્રોશ, ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપોથી ગરમાવો, તંત્રની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચારની પોલ ખૂલી

વાગરા ગ્રામ પંચાયત દ્વારા પ્રમુખ દક્ષાબેનના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગ્રામસભા કોઈ સામાન્ય સભા ન હોતી. પરંતુ તંત્રની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચાર સામે લોકોના આક્રોશનું વિસ્ફોટ બિંદુ બની રહી હતી. ખેડૂતોથી માંડીને સામાન્ય નાગરિકો સુધીના દરેક વર્ગના લોકોએ તંત્ર સામે ગંભીર અને સનસનીખેજ આક્ષેપો મૂકી, ‘વિકાસ’ના પોકળ દાવાઓની પોલ ખોલી નાખી હતી. ગ્રામસભાના નામે તંત્રએ માત્ર ઔપચારિકતા નિભાવી હોવાનો સ્પષ્ટ અહેસાસ આ કડવી વાસ્તવિકતામાં જોવા મળ્યો હતો.વીજળી વિભાગની બેદરકારી અને ખેડૂતોનો કચ્ચરઘાણ.: ગ્રામ સભાના પ્રારંભે જ ખેડૂતોએ વીજળી વિભાગ (GEB) સામે સીધો આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, તેમને પૂછ્યા વગર જ ખેતરોમાં વીજપોલ નાખી દેવામાં આવે છે. જે ખેડૂતોની જમીન પર અતિક્રમણ સમાન છે. સમયસર વીજળી ન મળવાને કારણે પાકને પારાવાર નુકસાન થતું હોવા છતાં, કોઈ નક્કર પગલાં લેવાતા નથી. વાગરા નગર માટે અલગથી સ્ટાફ ફાળવવાની માંગ સામે GEBના અધિકારીએ ફક્ત ૧૮-૧૯ જેટલા માણસો હોવાનો લાચારીભર્યો જવાબ આપ્યો હતો. જે તંત્રની બેદરકારીની પરાકાષ્ઠા દર્શાવે છે. ફરિયાદોનું નિવારણ ન થવું અને દિવસ દરમિયાન પણ સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેવી આ બધું દર્શાવે છે, કે સરકારના પૈસાનો કેવો બેફામ વેડફાટ થઈ રહ્યો છે.ટ્રાફિક, ગેરકાયદેસર બાંધકામ અને પોલીસ તંત્રની લાચારી : વાગરા નગરની ટ્રાફિક સમસ્યાએ લોકોના માથે માછલા ધોયા છે. ગેરકાયદેસર બાંધકામોને કારણે રસ્તાઓ સાંકડા થયા છે અને વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે નિકળવું પણ મુશ્કેલ બન્યું છે. ટ્રાફિક નિયમન માટે પોલીસની માંગ સામે વાગરા પોલીસ સ્ટેશનમાં સ્ટાફની અછત હોવાનો રટણ કરવામાં આવ્યું હતું. G.R.D. જવાનોનું કશું જ ન ઉપજતું હોવાનું કહી ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો, કે પોલીસ તંત્ર ફક્ત કાગળ પર જ સક્રિય છે. રસ્તાઓની ખરાબ હાલત, વરસાદમાં બંધ થઈ જતા માર્ગો અને બ્લોક થયેલા નાળાઓએ પંચાયતની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા.પાણી, ભ્રષ્ટાચાર અને ‘વિકાસ’ની પોકળ વાતો : પાણીના મુદ્દે થયેલા ભ્રષ્ટાચારે ગ્રામસભાને સૌથી વધુ ગરમાવી હતી. પાણીની સુવિધા માટે લાખો રૂપિયા ખર્ચાયા હોવા છતાં નળમાંથી પાણીનું ટીપું પણ મળતું ન હોવાના આક્ષેપો થયા હતા. ૮ લાખ રૂપિયાનો વેડફાટ અને મંજૂરી વગર ઠરાવ જેવા સનસનીખેજ આક્ષેપોએ તંત્રની ભ્રષ્ટાચારની નીતિને ખુલ્લી પાડી હતી. પૂર્વ સરપંચ કાસમ રાજના આક્ષેપોએ આ મુદ્દાને વધુ ગંભીર બનાવ્યો હતો. હલકી ગુણવત્તાના માલસામાનના ઉપયોગની રજૂઆત કરવામાં આવી હતી. જેના જવાબમાં તલાટીએ પોતાનો પલ્લો ઝાડતા એન્જિનિયર પર જવાબદારી ઢોળી હતી. પરંતુ ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ માત્ર સરપંચ કે એન્જિનિયરની જ નહીં પરંતુ તલાટીની પણ ફરજ છે.નામકરણ, આરોગ્ય અને અન્ય અનિયમિતતાઓ : વાગરાના એસ.ટી ડેપો સર્કલ પર ‘KP ગ્રુપ’નું બોર્ડ હટાવી ‘સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ’ નામ આપવાની માંગણી તંત્રની ચારિત્ર્યહીનતા દર્શાવે છે. તાલુકા પંચાયત દ્વારા ખર્ચ કરાયેલા સર્કલ પર ખાનગી ગ્રુપનું નામ ચાલતું રહે તે એક પ્રકારની મિલીભગતની શંકા ઉપજાવે છે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં ગાયનેક ડોક્ટરની અસુવિધા, તળાવની સફાઈનો અભાવ, અને રમત-ગમતના મેદાનની ઉપલબ્ધિ ન હોવા જેવી અનેક ફરિયાદોએ તંત્રની નિષ્ફળતાની ગાથા ગાઈ હતી. આટલી બધી ફરિયાદો, આક્ષેપો અને લોકોનો આક્રોશ છતાં પ્રમુખે દાવો કર્યો કે ગામમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. જે લોકોની સમસ્યાઓ પ્રત્યે તંત્રની બેફિકરાઈ અને અહંકારનો સ્પષ્ટ પુરાવો છે. ગ્રામસભામાં પોલીસ અને GEB સિવાયના મુદ્દે રજૂઆત ન કરવા તલાટીએ કરેલી ટિપ્પણી એ લોકશાહીના સિદ્ધાંતોનું ખુલ્લું ઉલ્લંઘન હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે. કે વાગરામાં ‘વિકાસ’ કાગળ પર અને ‘ભ્રષ્ટાચાર’ જમીન પર જોવા મળે છે.સમસ્યાના સમાધાનની ખાતરી, પણ પરિણામ શૂન્ય? : પોલીસ અને જી.ઈ.બી.ના અધિકારીઓએ ગ્રામજનોને તેમની સમસ્યાઓનું સમાધાન લાવવાની ખાતરી આપી હતી, પરંતુ ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે આવી ખાતરીઓ માત્ર વાકચતુરાઈથી વિશેષ કશું નથી. જ્યારે તંત્ર જ બેજવાબદાર અને નિષ્ક્રિય હોય, ત્યારે સમસ્યાઓનું નિરાકરણ માત્ર કાગળ પર જ રહે છે. ગ્રામસભામાં તલાટીએ પોલીસ અને જી.ઈ.બી. સિવાયના મુદ્દે રજૂઆત ન કરવા જણાવ્યું હોવાથી લોકોનો રોષ વધુ ભડક્યો હતો. આ ઘટના દર્શાવે છે કે તંત્ર પોતાની નિષ્ફળતા અને ભ્રષ્ટાચાર છુપાવવા માટે કેવી રીતે ગ્રામજનોના અવાજને દબાવવાનો પ્રયાસ કરે છે. આ સમગ્ર ઘટનાક્રમ એ જ દર્શાવે છે કે વાગરામાં ‘વિકાસ’ ફક્ત કાગળ પર અને ‘ભ્રષ્ટાચાર’ જમીન પર જોવા મળે છે.
નિર્ભય અને નિષ્પક્ષ અવાજ, ગ્રામજનોના હિતમાં :
આક્રોશપૂર્ણ ગ્રામસભા એ ફક્ત ફરિયાદોનો ઢગલો નહોતી, પરંતુ વાગરાના જાગૃત નાગરિકોની અડગતા અને મનોબળનું પ્રતિબિંબ હતી. તંત્રના ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે અવાજ ઉઠાવી, ગ્રામજનોએ સાબિત કરી દીધું છે કે તેઓ હવે મૂંગા બેસી રહેવા તૈયાર નથી. તેમનો આ સંયુક્ત અને નિર્ભય અવાજ જ તંત્રને જવાબદાર ઠેરવવા અને સાચા વિકાસની દિશામાં આગળ વધવા માટેનો માર્ગ મોકળો કરશે. આ ગ્રામજનોની હિંમત, હક અને ન્યાય માટેની લડાઈનો પ્રારંભ છે. તેમની એકતા અને સક્રિયતા જ દર્શાવે છે કે સાચી લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે.
પંચાયતના સત્તાધીશો અને વિભાગીય અધિકારીઓની ઉપસ્થિતિ છતાં શૂન્ય પરિણામ? :
ગ્રામસભામાં પંચાયતના પ્રમુખ, તલાટી સહિત પોલીસ વિભાગ, GEB, અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત હોવા છતાં, લોકોની ફરિયાદોનું કોઈ નિરાકરણ આવ્યું નહીં. આ અધિકારીઓની હાજરી માત્ર એક ઔપચારિકતા બની રહી, જ્યાં તેમણે ગ્રામજનોના આક્રોશને ફક્ત સાંભળ્યો, પણ તેના પર કોઈ નક્કર કાર્યવાહી કરવાની ખાતરી આપી નહીં. તેમની હાજરીએ એ સ્પષ્ટ કરી દીધું કે તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારી કોઈ એક વિભાગ પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર વહીવટી તંત્રમાં વ્યાપક છે. ગ્રામજનોએ જે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા, તેનો સંતોષકારક જવાબ આપવાને બદલે અધિકારીઓએ બહાનાબાજી કરી અને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો. આ પરિસ્થિતિ દર્શાવે છે કે ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ પણ જો ઈચ્છાશક્તિનો અભાવ હોય તો અર્થહીન બની રહે છે.

દરેક વિભાગના અધિકારીઓ માત્ર આશ્વાસનો આપી જતા રહેતા હોવાની બૂમો : ગ્રામસભામાં દરેક વિભાગના અધિકારીઓએ ફક્ત સમસ્યાઓ સાંભળી અને આશ્વાસનો આપીને સંતોષ માન્યો. ભૂતકાળમાં પણ આવી જ રીતે આશ્વાસનો મળ્યા છે, પરંતુ તેનું પરિણામ શૂન્ય આવ્યું છે. આ ઘટના ફરી એકવાર એ સાબિત કરે છે કે સરકારી અધિકારીઓ માટે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું એ પ્રાથમિકતા નથી, પરંતુ માત્ર ઔપચારિકતા છે. ગ્રામજનોના રોષનો ભોગ બન્યા બાદ, અધિકારીઓ માત્ર વાતોના વડા કરીને છટકી જાય છે, અને પરિણામે લોકોનો તંત્ર પરનો વિશ્વાસ વધુ ડગી રહ્યો છે. આશા છે કે આ વખતે આશ્વાસનો માત્ર શબ્દો નહીં, પરંતુ નક્કર કાર્યવાહીમાં પરિવર્તિત થશે.


સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવા ગ્રામજનોની અડગ માંગ :
​ગ્રામસભામાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર માત્ર કામચલાઉ સમાધાન કે ઉપરછલ્લી કાર્યવાહી નહિ, પરંતુ તેનું કાયમી નિરાકરણ લાવવા ગ્રામજનોએ અડગ માંગ કરી છે. ખેડૂતોને વીજળીની સમસ્યા હોય કે નગરની ટ્રાફિક અને પાણીની સમસ્યા હોય, આ તમામ મુદ્દાઓ વર્ષોથી ચાલ્યા આવે છે. ગ્રામજનો હવે માત્ર આશ્વાસનોથી સંતોષ માનવા તૈયાર નથી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હવે તંત્રને તેમની જવાબદારી નિભાવી પડશે અને લોકોના પ્રશ્નોનું મૂળમાંથી નિરાકરણ લાવવું પડશે. આ માંગણી એ વાતનો પુરાવો છે કે વાગરાની પ્રજા હવે જાગૃત થઈ છે અને પોતાના હક માટે લડવા તૈયાર છે.


પ્રમુખ દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવાની ખાતરી, માત્ર આશ્વાસન કે વાસ્તવિકતા? :
ગ્રામજનોના આક્રોશ અને અધિકારીઓની નિષ્ક્રિયતા વચ્ચે, ગ્રામ પંચાયતના પ્રમુખે તમામ સમસ્યાઓની નોંધ લઈ તેનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. જોકે, ભૂતકાળના અનુભવો જોતાં, પ્રજામાં આ ખાતરી પરનો વિશ્વાસ ઓછો થઈ ગયો છે. વાગરાની જનતા હવે માત્ર આશ્વાસનોથી કંટાળી ગઈ છે અને નક્કર પરિણામોની અપેક્ષા રાખે છે. પ્રમુખની ખાતરી માત્ર શબ્દો બની રહેશે કે પછી ખરેખર તેના પર કાર્યવાહી થશે, તે આવનારો સમય જ કહેશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જો આ વખતે પણ પરિણામ શૂન્ય આવ્યું તો લોકોનો તંત્ર પરનો વિશ્વાસ કાયમ માટે ડગી જશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *