Geo Gujarat News

નેત્રંગ: અદ્ભુત સિદ્ધિ, માનસી વસાવાએ પેરા એથ્લેટિક્સમાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું

અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. આ પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરી છે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV), શણકોઈમાં અભ્યાસ કરતી વસાવા માનસી કમલેશભાઈએ. જન્મથી જ પગમાં ખામી હોવા છતાં, માનસીએ પોતાની અદમ્ય ઈચ્છાશક્તિ અને સખત પરિશ્રમથી પેરા એથ્લેટિક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ ત્રણ ગોલ્ડ મેડલ મેળવીને ભરૂચ અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં ગ્વાલિયર ખાતે યોજાયેલ નેશનલ કક્ષાની પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં માનસીએ ગોળાફેંક, ચક્રફેંક અને બરછીફેંક – આ ત્રણેય સ્પર્ધાઓના U-17 વિભાગમાં સુવર્ણચંદ્રક જીતીને દેશભરમાં પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. શણકોઈ ગામના એક નાનકડા આદિવાસી ખેડૂત પરિવારમાંથી આવતી માનસી વર્ષ ૨૦૨૨માં ધોરણ ૬માં KGBV માં દાખલ થઈ હતી. શરૂઆતથી જ તે ખૂબ જ ઉત્સાહી અને ચંચળ સ્વભાવની હતી. શાળાની સીપીએડ શિક્ષિકા જયાબેને તેની પ્રતિભાને તરત જ ઓળખી અને તેને રમતોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી. આ પ્રોત્સાહન અને માર્ગદર્શન માનસીના જીવનમાં એક વળાંક સાબિત થયા હતા. શરૂઆતમાં તેણે SGFI અને ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો અને તાલુકા તથા જિલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ જીતી રાજ્ય કક્ષા સુધી પહોંચી. વર્ષ ૨૦૨૫માં, તેના કોચના માર્ગદર્શન હેઠળ તેને પેરા એથ્લેટિક્સમાં ભાગ લેવાનો મોકો મળ્યો, જ્યાં તેણે રાજ્ય કક્ષાએ ગોળાફેંક અને ચક્રફેંકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા.નડિયાદમાં સઘન તાલીમ અને રાષ્ટ્રીય સફળતા : રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ માનસીને વધુ અભ્યાસ અને તાલીમ માટે નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીમાં પ્રવેશ મળ્યો. નડિયાદ ખાતેની સઘન તાલીમ અને સખત મહેનતનું પરિણામ ગ્વાલિયરમાં જોવા મળ્યું, જ્યાં તેણે ત્રણ ગોલ્ડ મેડલ જીતીને પોતાની અજોડ ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો. માનસીની આ સિદ્ધિ KGBV શણકોઈની અન્ય દીકરીઓ માટે પણ એક પ્રેરણાસ્ત્રોત બની રહી છે. આ સિદ્ધિ બદલ જિલ્લા વહીવટીતંત્ર, શિક્ષણ વિભાગ અને વિદ્યાલયના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીનીઓએ તેને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. માનસીએ ફક્ત ભરૂચ જિલ્લાનું જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશનું નામ પણ રોશન કર્યું છે. માનસીની આ સિદ્ધિ એ વાતનો જીવંત ઉદાહરણ છે કે સાચી લગન, સખત મહેનત અને યોગ્ય માર્ગદર્શન હોય તો કોઈપણ શારીરિક ખામી સફળતાના માર્ગમાં અવરોધ બની શકતી નથી.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *