જળઝીલણી એકાદશીના પવિત્ર તહેવાર નિમિત્તે વાગરા તાલુકાના દહેજમાં આવેલા શ્રી રાધે કૃષ્ણ મંદિર પાંચવટી આશ્રમ ખાતે શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આજના શુભ દિવસે પરંપરા મુજબ ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાંથી કનૈયાને સુંદર રીતે શણગારેલી પાલખીમાં બિરાજમાન કરીને શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઢોલ-નગારાના તાલે અને જય શ્રી કૃષ્ણના નારા સાથે આ યાત્રા દહેજ ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી. યાત્રા મહાલક્ષ્મી ચોક અને હર્ષદી માતાજીના ચોક જેવા મુખ્ય વિસ્તારોમાં પહોંચી હતી. જ્યાં મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો.
આ શોભાયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન શ્રી કૃષ્ણને જળ અર્પણ કરવાનો હતો. યાત્રા દહેજમાં આવેલા હરીમહારાજ મંદિર અને ત્રિવેણી સંગમ ખાતે પહોંચી હતી. અહીં ભક્તોએ પરંપરા મુજબ કનૈયાને અભિષેક અને સ્નાન કરાવી આરતી-પૂજન કર્યું હતું. આ દિવ્ય પળોના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાનના દર્શન અને પૂજા-અર્ચના કરીને સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જળઝીલણી એકાદશીની આ શોભાયાત્રાએ દહેજમાં એક આધ્યાત્મિક વાતાવરણ ઊભું કર્યું હતું. અને સૌ ગ્રામજનોને શ્રદ્ધાના તાંતણે જોડ્યા હતા. આ પ્રકારના ધાર્મિક આયોજનો ગામની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com