Geo Gujarat News

અંકલેશ્વર: નગરપાલિકા દ્વારા રખડતા ઢોર સામે લાલ આંખ, ૧૮ પશુઓને પકડી ઢોર ડબ્બામાં પૂર્યા, પશુ માલિકોને કાયદેસરની કાર્યવાહીની ચીમકી.

અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાએ માઝા મૂકી છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું છે. આ સમસ્યાના નિવારણ માટે, અંકલેશ્વર નગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે અને રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરી છે. આ કાર્યવાહી દરમિયાન, શહેરમાંથી કુલ ૧૮ પશુઓને પકડીને ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા છે.લાંબા સમયથી અંકલેશ્વરમાં રખડતા ઢોરો ટ્રાફિક જામ અને અકસ્માતોનું મુખ્ય કારણ બની રહ્યા હતા. આથી, નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ આ ડ્રાઇવ શરૂ કરી. બપોર બાદ શરૂ થયેલી આ ઝુંબેશમાં, નગરપાલિકાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પશુઓને પકડ્યા. આ પકડાયેલા પશુઓમાં પાંચ ભેંસ, ત્રણ નાના પાડા/પાડી, ત્રણ ગાય અને પાંચ વાછરડા/વાછરડીનો સમાવેશ થાય છે. આ તમામ પશુઓને મોદીનગર પાસે આવેલા નગરપાલિકાના ઢોર ડબ્બામાં રાખવામાં આવ્યા છે.આ સમગ્ર કામગીરી ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ અને સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની સીધી હાજરીમાં પાર પાડવામાં આવી હતી. આ ઉપરાંત, સંસ્કાર એજ્યુકેશનની ટીમના સભ્યોએ પણ આ કામગીરીમાં સક્રિય સહયોગ આપ્યો, જેનાથી ઢોર પકડવાની પ્રક્રિયા વધુ સરળ બની.નગરપાલિકાએ આ કામગીરી દ્વારા પશુ પાલકોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. જાહેર રસ્તાઓ પર પશુઓને રખડતા છોડવાથી થતી મુશ્કેલીઓ અને જોખમને ધ્યાનમાં રાખીને, નગરપાલિકાએ તાકીદ કરી છે કે ભવિષ્યમાં જો કોઈ પશુ માલિક આ નિયમનો ભંગ કરશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દંડ અને અન્ય પગલાંની પણ શક્યતા છે. નગરપાલિકાની આ પહેલથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. હવે જોવું એ રહ્યું કે આ કાર્યવાહી કેટલા સમય સુધી ચાલુ રહે છે અને શું તે રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકશે કે કેમ.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *