વાગરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક ઉત્સાહ, મસ્જિદો અને ઘરો રોશનીથી ઝળહળ્યા. : ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ એટલે ઈદે મિલાદુન્નબીના પવિત્ર પર્વની ઉજવણી વાગરા નગરમાં અનેરા ઉત્સાહ અને ધાર્મિક શ્રદ્ધા સાથે થઈ રહી છે. આ પર્વ નિમિત્તે સમગ્ર નગર જાણે ભક્તિ અને ઉલ્લાસના રંગે રંગાઈ ગયું છે. મુસ્લિમ સમાજમાં આ તહેવારને લઈને ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.
રોશનીથી ઝળહળતું વાગરા : ઈદે મિલાદુન્નબીની ઉજવણીના ભાગરૂપે વાગરા નગરના વિવિધ વિસ્તારો, જેવા કે વાંટા વિસ્તાર, અસમાં પાર્ક, અપના નગર, ગુલીસતાને સંજર, મરિયમ પાર્ક અને હાઉસિંગ બોર્ડ સહિતના વિસ્તારો આકર્ષક રોશનીથી ઝળહળી રહ્યા છે. મસ્જિદો, દરગાહો અને દરેક મુસ્લિમ ઘરોને રંગબેરંગી લાઈટિંગ અને સુશોભનથી સજાવવામાં આવ્યા છે. આ દૃશ્ય માત્ર ભવ્ય જ નથી. પરંતુ પયગંબર સાહેબ પ્રત્યેની અપાર શ્રદ્ધાનું પ્રતીક પણ છે.
વાગરા પંથકમાં ધાર્મિક કાર્યક્રમોની ભરમાર : ઇસ્લામી કેલેન્ડરના રબીઉલ અવ્વલ મહિનાની ૧૨મી તારીખે આ પવિત્ર તહેવાર ઉજવાય છે. આ પર્વ પહેલાં જ મસ્જિદો અને જાહેર સ્થળોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન શરૂ થઈ ગયું છે. કુરાન ખ્વાની, નાત ખ્વાની, તકરીર અને નિયાઝ વિતરણ જેવા કાર્યક્રમો દ્વારા મુસ્લિમો અલ્લાહ અને તેના પયગંબરની બંદગી કરી રહ્યા છે. આ કાર્યક્રમોમાં સમાજના તમામ વર્ગના લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
શહેરથી ગામડાં સુધી ઉત્સાહનો માહોલ : વાગરા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઇદે મિલાદનો માહોલ છવાયો છે. પંથકના ખંડાલી, પહાજ, સારણ, સલાદરા, વિલાયત, વોરાસમની અને ચાંચવેલ જેવા ગામોમાં પણ મુસ્લિમ બિરાદરો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. આ પર્વ સમાજમાં પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ ફેલાવે છે. અને દરેક ધર્મ અને જાતિના લોકોને એકતાની ભાવના સાથે જોડે છે. આ વર્ષની ઉજવણી સમગ્ર પંથકમાં ખુશી અને ભક્તિનું વાતાવરણ પ્રસરાવી રહી છે.
ઈદે મિલાદ નિમિત્તે વાગરા નગરમાં ભવ્ય જુલુસનું આયોજન : ઈસ્લામી કેલેન્ડરના પવિત્ર રબીઉલ અવ્વલ મહિનાની ૧૨ મી તારીખે ઈદે મિલાદુન નબી પર્વની ઉજવણી નિમિત્તે આગામી 5 સપ્ટેમ્બરના રોજ વાગરા નગરમાં એક ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જુલુસ શાંતિ, પ્રેમ અને એકતાનો સંદેશ લઈને નીકળશે. આ ભવ્ય જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉત્સાહભેર જોડાશે. જે તેમની પયગંબર હઝરત મોહમ્મદ સાહેબ પ્રત્યેની અપાર શ્રદ્ધા દર્શાવે છે. જુલુસ દરમિયાન પયગંબર સાહેબના સન્માનમાં ‘નાત શરીફનું પઠન કરવામાં આવશે. આ જુલુસ નગરના મુખ્ય માર્ગો પર ફરશે અને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવશે. આ પવિત્ર પ્રસંગે, જુલુસના માર્ગમાં જુદા જુદા સ્થળોએ નિયાઝનું વિતરણ પણ કરવામાં આવશે, જે સમાજમાં પરસ્પર ભાઈચારો અને સૌહાર્દની ભાવનાને વધુ મજબૂત બનાવશે. વાગરાના લોકો આ ભવ્ય જુલુસમાં જોડાઈને આ પર્વને વધુ યાદગાર બનાવશે.
ઝુલુસ દરમિયાન પોલીસનો સઘન બંદોબસ્ત રહેશે : ઈદે મિલાદુન નબીના ભવ્ય જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જુલુસના સમગ્ર માર્ગ પર પોલીસ ખડેપગે સેવા આપશે. આ ઉપરાંત, ટ્રાફિકનું સુચારુ સંચાલન થાય અને જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ અને સ્થાનિક તંત્રના સહયોગથી આ પવિત્ર પર્વની ઉજવણી સલામતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થશે તેવી અપેક્ષા છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com