ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના આયોજકોને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસની અપીલ. : આગામી દિવસોમાં વાગરા નગરમાં ધાર્મિક સૌહાર્દ અને સહકારનું અનોખું ઉદાહરણ જોવા મળવાનું છે. મુસ્લિમ સમાજના પવિત્ર ઈદે મિલાદ તહેવાર અને હિન્દુ સમાજના ગણેશ વિસર્જન જેવા બે મહત્ત્વપૂર્ણ પર્વોની ઉજવણી થવાની છે. આ પર્વો શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વાગરા પોલીસે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં બંને સમાજના આગેવાનો અને આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસની શાંતિ માટેની બંને સમાજના આગેવાનોને અપીલ : વાગરાના પી.આઈ એસ.ડી. ફુલતરિયાએ બેઠકમાં હાજર રહેલા તમામ ધર્મગુરુઓ અને આગેવાનોને શાંતિ જાળવવા માટે ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, ધાર્મિક આસ્થાનું સન્માન કરતાં દરેક ધર્મ શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપે છે. તેથી, દરેક સમાજે એકબીજાની ભાવનાઓને માન આપીને આ પર્વોની ઉજવણી કરવી જોઈએ. તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સ્થાનિક પોલીસને સહકાર આપવા પણ અનુરોધ કર્યો હતો.
સમાજના આગેવાનોએ આપી ખાતરી : પોલીસની આ સકારાત્મક પહેલને બંને સમાજના આગેવાનોએ આવકારી હતી. તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની ખાતરી આપી અને કહ્યું કે વાગરા હંમેશા કોમી એકતાનું પ્રતીક રહ્યું છે. આ બેઠકમાં થયેલી ચર્ચાથી સ્પષ્ટ થયું કે, આ બંને પર્વો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંને સમાજ એકબીજાને પૂરો સહકાર આપશે. આ બેઠકમાં મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આયોજકો અને આગેવાનોની હાજરી એ વાતનો પુરાવો છે, કે વાગરાના લોકો ધર્મ અને આસ્થાથી ઉપર ઉઠીને એકતા અને ભાઈચારામાં માને છે. આ ઘટના સમાજમાં સકારાત્મકતા અને પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ઊભું કરે છે.
પોલીસની ચાંપતી નજર અને સઘન બંદોબસ્ત : ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના પર્વો દરમિયાન કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહે તે માટે વાગરા પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. બંને ધાર્મિક કાર્યક્રમોના માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આ ઉપરાંત, ટ્રાફિક વ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે વિશેષ ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવશે. પોલીસ અધિકારીઓએ બંને સમાજના આગેવાનોને સહકાર આપવા અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની જાણ પોલીસને તાત્કાલિક કરવા અપીલ કરી છે. જેથી વાગરામાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ કાયમ રહે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com