ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ એટલે કે ઇદે મિલાદની ઉજવણીને આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે આમોદ નગરમાં ધાર્મિક ઉલ્લાસ અને ઉત્સાહનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. આવતીકાલે ઇદે મિલાદનું ભવ્ય ઝુલુસ નીકળવાનું છે. જેના માટે આજે આમોદના પુરસા રોડ નવી નગરી વિસ્તારમાં આવેલી મદ્રસા એ ગૌષિયાના બાળકોએ એક અનોખું રિહર્સલ ઝુલુસ કાઢીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
મૌલાના શેરેઅલી બાવાની આગેવાની હેઠળ આ ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રિહર્સલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને આવતીકાલના મુખ્ય ઝુલુસ માટે સંપૂર્ણપણે તૈયાર કરવાનો હતો. બાળકોને કઈ રીતે શિસ્તબદ્ધ રીતે એક લાઈનમાં ચાલવું, નાત શરીફ કઈ રીતે પઢવી, અને નારા કઈ રીતે લગાવવા તે જેવી નાની-નાની પણ ખૂબ જ મહત્વની બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઝુલુસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે નિયાઝનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ઇદે મિલાદના આગમન સાથે જ સમગ્ર નગરમાં એક અનેરો માહોલ સર્જાયો છે. ખાસ કરીને પુરસા રોડ અને નવી નગરી જેવા મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં લોકોએ પોતાના ઘરો, મસ્જિદો અને જાહેર સ્થળોને રંગબેરંગી લાઇટિંગથી શણગાર્યા છે. આ ઝગમગતી રોશની આસ્થા અને ઉલ્લાસની ભાવનાને વધુ પ્રજ્વલિત કરી રહી છે. આવતીકાલે નીકળનાર મુખ્ય ઇદે મિલાદના ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાશે. આ ભવ્ય ઝુલુસ ધાર્મિક એકતા, પ્રેમ અને ભાઈચારાનો સંદેશો ફેલાવશે.

યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com