છત્રીના સહારે પણ ઝુલૂસમાં જોડાયા લોકો, ધાર્મિક નારા અને નાત શરીફના પઠન સાથે વાતાવરણ ભક્તિમય બન્યું. : વાગરા નગરમાં આજે ઇદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉત્સાહભેર જોડાયા હતા. પરંપરા મુજબ વાગરાની નુરાની મસ્જિદ દ્વારા ઇદે મિલાદ નિમિત્તે એક ભવ્ય ઝુલૂસ કાઢવામાં આવ્યું હતું. આ ઝુલૂસમાં બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ ધાર્મિક લિબાસમાં સજ્જ થઈને જોડાયા હતા. વહેલી સવારથી જ વાગરા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ હોવા છતાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહ ગુમાવ્યો ન હોતો. વરસાદથી બચવા માટે લોકો છત્રીનો સહારો લઈને પણ ઝુલૂસમાં ઉત્સાહપૂર્વક સામેલ થયા હતા. સૌના હાથમાં ધાર્મિક ઝંડાઓ હતા અને મોઢા પર ઇદે મિલાદનો આનંદ છલકાતો હતો.
નુરાની મસ્જિદ દ્વારા નીકળેલા ઝુલૂસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો જોડાયા. : આ ઝુલૂસ દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકોએ ધાર્મિક નારાઓ લગાવ્યા હતા. અને નાત શરીફનું પઠન કર્યું હતું. જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પવિત્ર પ્રસંગે ઠેર-ઠેર લોકો દ્વારા શરબત, દૂધ કોલ્ડ્રિંક્સ, કેક અને ચોકલેટ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેણે આ ઝુલૂસને વધુ સુંદર બનાવ્યું હતું. વરસાદી વિઘ્નો વચ્ચે પણ ઇદે મિલાદની શાનદાર ઉજવણીએ સૌના દિલ જીતી લીધા હતા. અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવી હતી. આ ઉજવણી દર્શાવે છે કે ધર્મ અને શ્રદ્ધા સામે કુદરતી અવરોધો પણ ક્યારેક ઝાંખા પડી જાય છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com