વાગરા તાલુકાના વસ્તીખંડાલી ગામે ઈદે મિલાદુન્નબીના પાવન પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે વરસાદી માહોલ હોવા છતાં ગ્રામજનોના ઉત્સાહમાં કોઈ કમી ન હોતી. ચાલુ વરસાદે પણ મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈને ભવ્ય ઝુલૂસનું આયોજન કર્યું હતું.
વસ્તીખંડાલી ગામમાં વહેલી સવારથી જ વરસાદ ચાલુ હતો, તેમ છતાં મુસ્લિમ બિરાદરોએ પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના જન્મદિવસની ઉજવણીનો ઉત્સાહ જાળવી રાખ્યો હતો. ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલા આ ઝુલૂસમાં બાળકો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌએ ધાર્મિક નારાઓ લગાવીને અને નાત-શરીફનું પઠન કરીને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આ દ્રશ્ય વરસાદી વિઘ્નો છતાં લોકોની શ્રદ્ધા અને એકતાનો અનોખો સંદેશ આપતો હતો. ઈદે મિલાદની ઉજવણીના ભાગરૂપે ગામમાં ઠેર ઠેર નિયાઝનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
ગ્રામજનોએ આ પ્રસંગે પરસ્પર ભાઈચારા અને સદ્ભાવનાનો સંદેશો આપ્યો હતો. નિયાઝના આયોજનથી ધાર્મિક ભાવનાની સાથે સાથે સામાજિક એકતા પણ મજબૂત બની હતી. આમ ચાલુ વરસાદે પણ વસ્તીખંડાલી ગામમાં ઈદે મિલાદની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ, જેણે ગામના લોકોની અખૂટ શ્રદ્ધા અને અનોખી કોમી એખલાસની ભાવનાને દર્શાવી હતી.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com