વિલાયત-દેરોલ રોડ પર વાહનો ફસાયા, ડ્રાઈવરો અને કર્મચારીઓ પરેશાન. : ભરૂચ જિલ્લાના રસ્તાઓ હવે ‘ખારી સિંગ’ની જેમ પ્રખ્યાત થઈ રહ્યા છે, પણ તેનું કારણ ગુણવત્તા નહીં પરંતુ તેની બિસ્માર હાલત છે. ભરૂચ-વિલાયત-સાયખા જેવી મોટી GIDCને જોડતા દેરોલ-વિલાયત માર્ગ પર આજે સવારથી જ ટ્રાફિકનો કકળાટ જોવા મળ્યો હતો. સવારે આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી વાહનો થંભી ગયા છે. કારણ કે એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી. આ ઘટનાએ ફરી એકવાર તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીને ખુલ્લી પાડી છે. વાહનચાલકો અને ઉદ્યોગો આટલી હાલાકી સહન કરી રહ્યા છે છતાં ચૂપ છે. કંપનીના કર્મચારીઓ આ ખરાબ રસ્તાઓ પરથી પસાર થઈને પણ સમયસર નોકરી પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે ખરેખર પ્રશંસનીય છે. પરંતુ આ સ્થિતિ ક્યાં સુધી ચાલશે?
રોજિંદા ટ્રાફિકજામથી હાલાકી: ભરૂચ-વિલાયત-સાયખા GIDCને જોડતો માર્ગ બિસ્માર, તંત્ર નિષ્ક્રિય. : આ રોડ પરના ખાડાઓ એટલા મોટા છે કે તે સામાન્ય લોકોને પણ સ્પષ્ટ દેખાય છે. પરંતુ તંત્ર અને નેતાઓને તે દેખાતા નથી. કદાચ તેમની મોંઘી ગાડીઓ ખાડાઓને અનુભવવા દેતી નથી. એટલે જ તેઓ આ સમસ્યાને ગંભીરતાથી લેતા નથી. ડ્રાઇવરોએ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે આ તો કાયમની સમસ્યા છે. ખાડાઓના કારણે ડીઝલનો વપરાશ ચાર ગણો વધી જાય છે, જેના કારણે તેમને માલિકો સામે શંકાની નજરથી જોવામાં આવે છે.
લાગતા-વળગતા અધિકારીઓ અને નેતાઓને હવે શરમ આવવી જોઈએ. લાખો રૂપિયાનું ઇંધણ વેડફાઈ રહ્યું છે, લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. અને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જોવાનું એ રહે છે કે શું મીડિયાના અવાજ પછી પણ આ ‘જાડી ચામડીના’ અધિકારીઓ અને નેતાઓની આંખો ખુલશે? અને શું આ રસ્તાનું સમારકામ થશે?
જાડી ચામડીના નેતાઓ અને અધિકારીઓ ક્યારે જાગશે? વિલાયત-દેરોલ રોડ પર ખાડા રાજથી પ્રજા પરેશાન. : લાખો લોકોની અવરજવર અને કરોડોના ઉદ્યોગોને જોડતા આ માર્ગની આવી દયનીય હાલત તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે. જ્યારે સામાન્ય પ્રજા ખાડાવાળા રસ્તા પરથી પસાર થતી વખતે જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર છે, ત્યારે નેતાઓ અને અધિકારીઓ એર-કન્ડિશન્ડ કારમાં બેસીને આ સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યા છે. શું આ લોકોની તકલીફો દેખાતી નથી? કે પછી આંખો હોવા છતાં તેઓ અંધ બન્યા છે? આ રોડની જવાબદારી જે પણ અધિકારી કે નેતાની હોય, તેઓએ શરમ અનુભવવી જોઈએ. પ્રજાના પૈસાના ટેક્સ પર જીવતા આ સરકારી બાબુઓને લોકોની વેદના ક્યારે સમજાશે?
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com