આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. વાગરા તાલુકા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ આસિફ પટેલ સામે પક્ષના જ કાર્યકર્તાઓએ મોરચો માંડ્યો છે. કોંગી આગેવાન ઝાબિર પટેલની આગેવાની હેઠળ વાગરા તાલુકાના અંદાજે ૪૦ જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ભરૂચ સ્થિત જિલ્લા કોંગ્રેસના કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે. જો વાગરાના પ્રમુખને બદલવામાં નહીં આવે તો તમામ હોદ્દેદારો પોતાના પદ પરથી રાજીનામું આપશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવતા પક્ષમાં ખળભળાટ મચી ગયો છે.
શા માટે થયો અંદરો અંદર વિરોધ? : કાર્યકર્તાઓની રજૂઆત મુજબ વાગરાના વર્તમાન પ્રમુખ આસિફ પટેલ કોઈને સાથે લઈને ચાલતા નથી. અને પોતે જ મનસ્વી રીતે નિર્ણયો લઈ લે છે. પક્ષના અન્ય સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરવાના આક્ષેપો સાથે આ નારાજગી આગામી ચૂંટણીઓમાં પક્ષને નુકસાન પહોંચાડી શકે છે. તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિખવાદ જો વહેલી તકે ઉકેલવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.
રાજીનામાની ચીમકી અને આગેવાનોની યાદી : આ મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા આગેવાનોની યાદી ઘણી લાંબી છે, જેમાં ભરૂચ જિલ્લા અને વાગરા તાલુકાના અનેક મહત્ત્વના પદાધિકારીઓનો સમાવેશ થાય છે. આ પ્રતિનિધિમંડળમાં કોંગી આગેવાન ઝાબિર પટેલ, અક્ષયસિંહ રાજ (ઉપપ્રમુખ, ભરૂચ જીલ્લા કોંગ્રેસ), મકસુદ્દીન રાણા (ઉપપ્રમુખ, ભરૂચ જીલ્લા કોંગ્રેસ), અસલમ રાજ (ઉપપ્રમુખ, વાગરા તાલુકા કોંગ્રેસ), મગનભાઈ વસાવા (ઉપપ્રમુખ, વાગરા તાલુકા કોંગ્રેસ), નિલેશ ગોહિલ (મહામંત્રી, વાગરા તાલુકા કોંગ્રેસ), વસીમ સેહરી (મહામંત્રી, વાગરા તાલુકા કોંગ્રેસ), પ્રવીણ વસાવા (પ્રમુખ, કોંગ્રેસ સેવા દળ), મુખ્તિયાર બાપુ સૈયદ (પ્રમુખ, વાગરા તાલુકા લઘુમતી મોરચો), ઇમરાન રાજ (યુવા પ્રમુખ, વાગરા વિધાનસભા) સહિત અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ તમામ કાર્યકર્તાઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે. કે જો વાગરા તાલુકાના પ્રમુખ પદેથી આસિફ પટેલને હટાવી નવા પ્રમુખની નિમણૂક નહીં કરવામાં આવે તો તેઓ સામૂહિક રાજીનામા આપશે.
એક તરફ ભરતી તો બીજી તરફ વિદાયના એંધાણ!, પક્ષ માટે ચિંતાજનક સ્થિતિ : ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ વાગરા તાલુકાના ઝાગેશ્વરના ૫૦ જેટલા યુવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. જેને પક્ષ માટે સકારાત્મક સંકેત માનવામાં આવતો હતો. પરંતુ હવે વાગરાના ૪૦ જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓના પક્ષ છોડી દેવાના એંધાણથી કોંગ્રેસની મુશ્કેલીઓ વધી ગઇ છે. જો આ આંતરિક સંઘર્ષનો સમયસર ઉકેલ ન આવે તો કોંગ્રેસને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોંઘું પડી શકે છે. પક્ષના મોવડી મંડળ માટે આ પરિસ્થિતિ એક કસોટી સમાન છે. જેમાં તેમણે ઝડપી અને યોગ્ય નિર્ણય લેવો જરૂરી બન્યો છે.
વર્તમાન પ્રમુખ આસિફ પટેલનો ખુલાસો, પક્ષ જે નિર્ણય લેશે, એને દિલથી સ્વિકારીશ : આક્ષેપો સામે વર્તમાન પ્રમુખ આસિફ પટેલે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું કે પ્રમુખ તરીકે તેમની નિમણૂક સેન્સ પ્રક્રિયા બાદ પક્ષ દ્વારા કરવામાં આવી હતી. તેમણે સ્વીકાર્યું કે કદાચ કોઈ કાર્યકર્તાઓ કે હોદ્દેદારોને તેમનાથી મનદુઃખ થયું હશે, પરંતુ તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ દરેક કાર્યક્રમ અને નિર્ણયમાં તમામ લોકોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરે છે. તેમણે ઉમેર્યું કે રજૂઆત કરનારા તમામ કાર્યકર્તાઓ તેમના ભાઈઓ છે અને તેમની રજૂઆત વ્યાજબી છે. આસિફ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ બધાને સાથે લઈને ચાલશે અને અંતે પક્ષ જે પણ નિર્ણય લેશે, તે તેમને દિલથી સ્વીકાર્ય રહેશે. આસિફ પટેલે દર્શાવેલ આ નરમાઈભર્યો પ્રતિભાવ સૂચવે છે કે તેઓ આંતરિક વિખવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે તૈયાર છે.
હવે સૌની નજર જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા પર છે કે તેઓ આ પરિસ્થિતિનો કઈ રીતે ઉકેલ લાવે છે. : : આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે સૌની નજર ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પર ટકેલી છે. એક તરફ પક્ષના વરિષ્ઠ આગેવાનો અને અંદાજે ૪૦ જેટલા કાર્યકર્તાઓની રાજીનામાની ચીમકી છે, તો બીજી તરફ વર્તમાન પ્રમુખ આસિફ પટેલનો સમાધાનકારી વલણ છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે, આ આંતરિક કલહનો કઈ રીતે ઉકેલ લાવવામાં આવે છે તે જોવું રસપ્રદ રહેશે. જો જિલ્લા પ્રમુખ આસિફ પટેલને યથાવત રાખવાનો નિર્ણય લેશે, તો નારાજ જૂથને મનાવવાનો પડકાર રહેશે, અને જો નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવશે, તો પક્ષમાં એક નવી ગતિવિધિ જોવા મળશે. આ નિર્ણય કોંગ્રેસના વાગરા તાલુકાના રાજકીય ભવિષ્ય અને ચૂંટણી પરિણામો પર સીધી અસર કરશે.
આંતરિક કલહનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો વાગરા કોંગ્રેસમાં મોટો રાજકીય ફેરફાર શક્ય. : જો આ સમસ્યાનું સમાધાન સમયસર નહીં આવે, તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષને ગંભીર નુકસાન થવાની શક્યતા છે. નારાજ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની રાજીનામાની ચીમકી માત્ર એક ચેતવણી ન રહેતા, આગામી સમયમાં જો આ વિખવાદ ઉકેલાશે નહીં તો તેઓ ખરેખર બળવો કરે તેવું બની શકે છે. આ પરિસ્થિતિ પક્ષના વાગરા તાલુકાના સંગઠનને નબળું પાડી શકે છે અને વિરોધ પક્ષને ફાયદો કરાવી શકે છે. પક્ષના મોવડી મંડળ માટે આ એક મોટી કસોટી સમાન છે કે તેઓ આ આંતરિક કલહને કઈ રીતે શાંત પાડીને સૌને એકજૂટ રાખે છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com