Geo Gujarat News

ભરૂચ: આમ આદમી પાર્ટીનો વિરોધ, રસ્તા પરના ખાડાઓ મુદ્દે કલેક્ટર કચેરી બહાર દેખાવો, આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી!

ભરૂચ શહેરના બિસ્માર રસ્તાઓ અને ઠેર ઠેર પડેલા ખાડાઓના મુદ્દે આજે આમ આદમી પાર્ટી (AAP) એ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાની હેઠળ કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી માર્ગ પર બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે, બાદમાં પોલીસે દરમિયાનગીરી કરીને આ પ્રદર્શનને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવ્યું હતું. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ખરાબ રસ્તાઓને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા, વાહનોને નુકસાન અને અકસ્માતોનું જોખમ વધી ગયું છે, જેના પરિણામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ વિરોધ પ્રદર્શન દરમિયાન, AAPના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર હાલ દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવી રહ્યું છે, જે એક રીતે યોગ્ય છે, પરંતુ તેમની પ્રથમ પ્રાથમિકતા શહેરના રસ્તાઓની મરામત હોવી જોઈએ. તેમણે તંત્ર પર કટાક્ષ કરતા કહ્યું કે, ખાડાઓથી લોકોને જે તકલીફ પડે છે તે તંત્રને દેખાતી નથી, પરંતુ ગરીબોના દબાણો હટાવવા પર જ ભાર મુકવામાં આવી રહ્યો છે. જો ખરેખર દબાણ હટાવવું હોય, તો મોટા માથાઓના દબાણો હટાવો. પટેલે આ મામલે તંત્રને ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, જો તાત્કાલિક ધોરણે રસ્તાઓની મરામત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *