આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2 અને 5 ના રહીશો પાણી જેવી પાયાની સુવિધાથી વંચિત રહેતા સત્તાધીશો સામે ભારે રોષે ભરાયા છે. નગરજનોનો આક્ષેપ છે કે નગરપાલિકા તેમની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવામાં તદ્દન નિષ્ફળ રહી છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે મહિલાઓને પોતાના બાળકોને નવડાવવા માટે પણ પાણી વેચાતું લાવવા મજબૂર થવું પડ્યું છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું કે, તેઓએ પાણીના પ્રશ્ને નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. આ પહેલાં પણ વોર્ડ નંબર 1 અને 2 ના રહીશોએ સીધા મુખ્ય અધિકારીની ઓફિસે જઈને તીખી રજૂઆત કરી હતી, તેમ છતાં આજદિન સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. નાગરિકોનો આક્ષેપ છે કે અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાની આરામખુરશી છોડીને જાત તપાસ કરવા પણ જતા નથી. અને બધું જ કર્મચારીઓ પર છોડી દેવામાં આવ્યું છે.
પાણીની અછતથી ત્રસ્ત નગરજનોએ હવે અંતિમ ઉપાય તરીકે આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો સોમવાર સુધી પ્રેશરથી પાણી નહીં મળે તો નગરપાલિકાના દરવાજા પર ધમાકેદાર આંદોલન અને હલ્લાબોલ કરવામાં આવશે. આ ગંભીર બેદરકારીના કારણે ભાજપના પોતાના મતદારોમાં પણ ભારે નારાજગી ફેલાઈ છે. લોકો ખુલ્લેઆમ સવાલ કરી રહ્યા છે કે ચૂંટણી સમયે મીઠી વાતો કરનારા નેતાઓ હવે કેમ મૌન છે? આમોદ નગરપાલિકા સામે રોષનું વાદળ ઘેરાઈ રહ્યું છે, અને જો સમયસર પગલાં નહીં લેવાય તો સોમવારથી આંદોલનનું તોફાન ફાટી નીકળશે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com