Geo Gujarat News

ભરૂચ સહિત દેશભરમાં વિજયોત્સવ, ભારતની જીત બાદ જશ્નનો માહોલ, ઢોલ-નગારા અને તિરંગા સાથે ઉજવણી.

દુબઈમાં રમાઈ રહેલી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની છઠ્ઠી મેચમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને ૭ વિકેટે કારમો પરાજય આપતાં સમગ્ર દેશમાં વિજયનો માહોલ છવાઈ ગયો છે. આ ઐતિહાસિક જીત બાદ દેશભરના શહેરોમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને તિરંગા લહેરાવી, ઢોલ-નગારાના તાલે નાચગાન કરીને જીતનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો, પરંતુ ભારતીય બોલરોની ધારદાર બોલિંગ સામે તેઓ ટકી શક્યા નહોતા. પાકિસ્તાનની ટીમ ૯ વિકેટે માત્ર ૧૨૭ રન જ બનાવી શકી હતી. ભારતીય બેટ્સમેનોએ આ ટાર્ગેટને ખૂબ જ સરળતાથી ચેઝ કર્યો હતો. માત્ર ૩ વિકેટના નુકસાન પર ૧૨૮ રન બનાવીને ભારતે આ શાનદાર જીત હાંસલ કરી હતી.ભારતીય ટીમની આ જીત ખરેખર યાદગાર અને પ્રશંસનીય રહી છે. ભારતની આ જીતની ઉજવણી ભરૂચ શહેરમાં પણ જોરશોરથી થઈ હતી. શહેરના મુખ્ય વિસ્તાર પાંચબત્તી ખાતે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અને દેશભક્તો એકઠા થયા હતા. આ લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નારા લગાવીને તિરંગા લહેરાવ્યા હતા. ઢોલ-નગારાના તાલે યુવાનો અને વૃદ્ધો સૌ કોઈ નાચીને આ જીતનો આનંદ વ્યક્ત કરી રહ્યા હતા. ચારે બાજુ આતશબાજીનો ધુમાડો અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોના આ ઉમળકાભર્યા જશ્નમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પ્રશાસન અને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. મેચ પૂરી થયા બાદ તરત જ શહેરમાં પોલીસ પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું હતું, જેના કારણે ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી અને કોઈ પણ પ્રકારની અશાંતિ ફેલાઈ નહોતી. ભારતીય ટીમની આ જીતથી દેશના કરોડો ક્રિકેટ પ્રેમીઓ ખુશ છે અને તેમને આગામી મેચોમાં પણ આવી જ શાનદાર જીતની આશા છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *