ભરૂચમાં આવેલી ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં તાજેતરમાં એક વિવાદાસ્પદ ઘટના બની છે. શનિવાર, ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ચક્રધર સ્વામીના અનુયાયીઓ મસ્જિદની મુલાકાતે આવ્યા હતા, પરંતુ તેમની સાથે ૨૦૦૭ના અજમેર બોમ્બકાંડના આરોપી ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી પણ પ્રવેશતા મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટના બાદ સોમવારે સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચાના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કડક કાર્યવાહીની માંગ કરી છે.
ચક્રધર સ્વામીના અનુયાયીઓ મહારાષ્ટ્રથી નિયમિતપણે જુમ્મા મસ્જિદની મુલાકાતે આવતા હોય છે, કારણ કે તેઓ આ સ્થળને ચક્રધર સ્વામીનું જન્મસ્થળ માને છે. શનિવારે જ્યારે આ અનુયાયીઓ પોલીસ બંદોબસ્ત સાથે મસ્જિદમાં પ્રવેશ્યા, ત્યારે તેમની સાથે ભાવેશ પટેલ પણ હતો. સ્થાનિક મુસ્લિમ સમુદાયના લોકોના જણાવ્યા મુજબ, ભાવેશ પટેલે મસ્જિદના ગર્ભગૃહમાં અને છત પર ચપ્પલ પહેરીને પ્રવેશ કર્યો હતો, જે ધાર્મિક સ્થળની પવિત્રતાનો ભંગ ગણાય છે. ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી ૨૦૦૭ના અજમેર બોમ્બકાંડના આરોપી રહી ચૂક્યા છે અને હાલ તેઓ જામીન પર છે. આ વ્યક્તિની મસ્જિદમાં હાજરી અને તેના વ્યવહારથી મુસ્લિમ સમુદાયમાં ગંભીર ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે.
આ ઘટનાના વિરોધમાં, સમસ્ત મુસ્લિમ સમાજ, બહુજન મુક્તિ મોરચાના આગેવાનો અને જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ સોમવારે જિલ્લા કલેક્ટરને મળ્યા હતા અને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં તેમણે આ ઘટનાની સખત નિંદા કરી અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. આગેવાનોએ શાંતિ, ભાઈચારો અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા પર ભાર મૂક્યો છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાની અપીલ કરી છે. આ ઘટનાએ ભરૂચમાં ધાર્મિક સ્થળોની સુરક્ષા અને પવિત્રતા જાળવવાના મુદ્દા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે, અને આગામી દિવસોમાં તંત્ર દ્વારા કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com