સગીરાને ભગાડી જનાર આરોપી સામે કાર્યવાહી કરવા અને પુત્રીને પરત લાવવા પરિવારની રજૂઆત : સગીરાના અપહરણ બાદ કોઈ ભાળ ન મળતા પરિવાર ચિંતિત, પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો. : ભરૂચ જિલ્લામાં એક 13 વર્ષ અને 9 મહિનાની સગીરાના અપહરણની ગંભીર ઘટના બાદ પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ સાથે પરિવારે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા સમક્ષ રજૂઆત કરી છે. પરિવારનો દાવો છે કે, પોલીસે માત્ર અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જ્યારે આ કેસમાં પોક્સો એક્ટની કલમ પણ લાગુ થવી જોઈએ. સાથેજ પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં દીકરીનો કોઈ પટ્ટો નહીં લાગતા પરિવારમાં ચિંતામાં ગરકાવ થવા પામ્યો છે.

પોલીસની કામગીરી સામે સવાલો ઉઠતા પરિવારે પોક્સો કાયદાની કલમો ઉમેરવાની માગ સાથે SPનો સંપર્ક કર્યો. : સગીરાની માતાની ફરિયાદ મુજબ ભરૂચ શહેરના એક વિસ્તારમાં રહેતી 13 વર્ષ 9 મહિનાની સગીર દીકરીનું અપહરણ થયું છે. આ ઘટના ત્યારે બની જ્યારે દીકરી સ્કૂલે ગઈ હતી. આ અંગેની જાણ થતાં પરિવારે તાત્કાલિક ભરૂચ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરિવારનો આક્ષેપ છે કે, ભરૂચ તાલુકાના કંથારિયા ગામનો એક 28 વર્ષીય ઇસમ સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો છે. આ ફરિયાદ બાદ પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા સગીરાનો કોઈ પત્તો લાગ્યો નથી. પરિવારે પોલીસની ધીમી કાર્યવાહી અને પોક્સો કલમ ન ઉમેરવા બદલ શંકા વ્યક્ત કરી છે. પોલીસની નિષ્ક્રિયતાથી હતાશ થયેલા પરિવારે આ મામલે આજરોજ ભરૂચના S.P ને લેખિતમાં રજૂઆત કરી છે. અરજીમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, પોલીસે અમારી ફરિયાદ પર માત્ર અપહરણની જ કલમ લગાડી છે. જે ખોટું છે. આ કેસમાં પોક્સો કાયદાની કલમો ઉમેરવી જોઈએ.

પરિવારે પોલીસ પર ઢીલી કામગીરીનો આરોપ મૂક્યો, LCB તપાસની માંગ. : પરિવારે SP ને વિનંતી કરી છે કે, તેઓ આ કેસની તપાસ વહેલી તકે પૂર્ણ કરાવે. અને જો જરૂર પડે તો આ કેસની તપાસ LCB ને સોંપવામાં આવે જેથી કરીને તેમની દીકરી ઝડપથી મળી જાય અને સગીરાને ભગાડી જનાર આરોપી સામે કડક કાર્યવાહી થઈ શકે. આ ઘટનાએ ફરી એકવાર સગીરાઓની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. અને સાથે જ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તંત્ર આ મામલે કેવા પગલાં ભરે છે અને શું સગીરાને સુરક્ષિત પરત લાવી શકાશે?

સગીરાને ભગાડી જનાર આરોપી સામે કાર્યવાહી કરવા અને પુત્રીને પરત લાવવા પરિવારની રજૂઆત. : સગીરાના અપહરણની આ ગંભીર ઘટનાએ તેના પરિવારને અતિશય ચિંતામાં મૂકી દીધો છે. દીકરીની માતાની વેદના શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેમની આંખોમાં સતત આંસુ છે અને તેમના હૃદયમાં એક જ સવાલ ઘુમરાય છે કે, મારી દીકરી ક્યાં હશે? કેવી હાલતમાં હશે? પરિવારની આશા હવે માત્ર પોલીસ પર ટકેલી છે. તેઓ આસ લગાવીને બેઠા છે કે ભરૂચ જિલ્લા પોલીસ વડા આ મુદ્દે તાત્કાલિક અને સક્રિયતાથી પગલાં ભરે. પરિવારની એક જ વિનંતી છે કે તેમની દીકરીને વહેલી તકે શોધી કાઢીને સહીસલામત પરત લાવવામાં આવે અને આ ગુના માટે જવાબદાર આરોપી સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈ પરિવારને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com