ભરૂચ તાલુકાના દેરોલ ગામમાં આવેલા બાલાપીર દાદાના ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી, જે ભાઈચારા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અને આસ્થાભેર ઉજવણીમાં ભાગ લીધો હતો. ભરૂચના આસપાસના ગામોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ દ્વારા એક ભવ્ય ઝુલુસ પણ કાઢવામાં આવ્યું હતું. આ ઝુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેઓ નારા લગાવતા અને દાદાની શાનમાં નાત શરીફનું પઠન કરતા જોવા મળ્યા હતા. આ ઝુલુસે સમગ્ર વાતાવરણને આસ્થા અને શ્રદ્ધાથી ભરી દીધું હતું અને ભાઈચારાના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો. ઉર્સ શરીફની શરૂઆત મદલીસા બાવા સલાદરાવાળાના મુબારક હસ્તે ચાદર ચઢાવીને કરવામાં આવી હતી. બાલાપીર દાદાના આ બીજા ઉર્સ શરીફમાં માત્ર મુસ્લિમ સમુદાયના જ નહી પરંતુ તમામ ધર્મના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં દેરોલ ગામના સરપંચ દિલાવર એન. મલેક, રણજીતસિંહ ડાભી, ધર્મેન્દ્રસિંહ જાદવ, ફતેસિંહ ડાભી અને અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આ ઉર્સ શરીફની સૌથી મોટી ખાસિયત એ હતી કે તે માત્ર એક ધાર્મિક કાર્યક્રમ ન રહેતા ભાઈચારા અને કોમી એકતાના પ્રતીક તરીકે ઉજવાયો હતો. હિન્દુ-મુસ્લિમ સૌ સાથે મળીને આ પવિત્ર પ્રસંગની ઉજવણી કરી હતી. જે સમાજમાં શાંતિ અને સદ્ભાવનાનો સંદેશ ફેલાવી રહ્યું હતું. આ કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં ધાર્મિક સૌહાર્દ અને સહઅસ્તિત્વની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહે અને સમાજમાં એકતા જળવાઈ રહે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com