Geo Gujarat News

વાગરા: ગ્રાસીમ કાંડનો ત્રીજો દિવસ, ટ્રકનું ટાયર ફાટ્યું કે ટેન્કનો બ્લાસ્ટ? ગ્રાસીમ કાંડમાં વિરોધાભાસી દાવા, જવાબદારી કોની? સત્ય ક્યાં દબાઈ રહ્યું છે?

વાગરા તાલુકાની વિલાયત GIDCમાં આવેલી ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝમાં તારીખ 16/09/2025ના રોજ થયેલી ભયાનક ઘટનાના ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં તેનું સત્ય બહાર આવ્યું નથી. આ અકસ્માતમાં ત્રણ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં કંપની અને તંત્ર બંને દ્વારા જાણે આ ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઘટનાના ત્રીજા દિવસે પણ જુદા જુદા દાવાઓ વચ્ચે સત્ય ક્યાં દબાઈ રહ્યું છે? તે એક મોટો સવાલ છે. એક તરફ કંપની દાવો કરી રહી છે કે માત્ર ટ્રકનું ટાયર ફાટ્યું હતું. જ્યારે બીજી તરફ ઘાયલ કામદારોએ પોલીસ સમક્ષ આપેલી જુબાનીમાં સ્પષ્ટપણે ક્લોર આલ્કલિક પ્લાન્ટમાં હાઈડ્રોક્લોરિક એસિડ ટેન્ક ફાટવાનો ઉલ્લેખ કર્યો છે. આ બંને દાવાઓ વચ્ચેનો વિરોધાભાસ અનેક શંકાઓ ઊભી કરે છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટરે પણ પ્રાથમિક તપાસમાં કંપનીના દાવાને આંશિક સમર્થન આપ્યું હોય તેવી ચર્ચાઓ જાગી છે. પરંતુ સાથે જ એક કામદારને HCL વાયુ શ્વાસમાં જવાથી તકલીફ થઈ હોવાનું પણ સ્વીકાર્યું છે. આ તમામ વિરોધાભાસી નિવેદનો દર્શાવે છે કે ક્યાંક સત્ય છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.સવાલ એ થાય છે કે શું આ મામલે તંત્રનો પનો ટૂંકો પડી રહ્યો છે? કારણ કે, ઘટનાસ્થળ પરથી સામે આવેલા પુરાવા જેમાં ક્ષતિગ્રસ્ત ટેન્ક સ્પષ્ટપણે દેખાય છે. તે કોઈ મોટા વિસ્ફોટ તરફ ઇશારો કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ જે ટ્રકનું ટાયર ફાટ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે, તે ટ્રકનો કોઈ પત્તો નથી. આવા સંજોગોમાં, સ્થાનિક જાગૃત નાગરિકોની માંગ છે કે આ મામલે તાત્કાલિક એક સ્પેશિયલ કમિટીની રચના કરવામાં આવે અને CCTV ફૂટેજ સહિતના તમામ પુરાવા એકત્ર કરી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, જેથી કંપની કોઈ પુરાવાનો નાશ ન કરી શકે. આ ઘટના માત્ર એક અકસ્માત નથી. પરંતુ ઉદ્યોગોમાં કામદારોની સુરક્ષા પ્રત્યેની બેદરકારી અને તેને છુપાવવા માટે થતા પ્રયાસોનું પ્રતિબિંબ છે. જ્યાં સુધી જવાબદારો સામે કડક કાર્યવાહી ન થાય, ત્યાં સુધી આવી ઘટનાઓ ફરી બનતી રહેશે. આ સમગ્ર પ્રકરણમાં ન્યાય અને પારદર્શિતા સ્થાપિત કરવી અત્યંત જરૂરી છે.આટલા બધા વિરોધાભાસી પુરાવાઓ અને ખુલાસાઓ બાદ હવે પ્રજાની નજર તંત્ર પર ટકેલી છે. ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલા બ્લાસ્ટ કે ટ્રકના ટાયર ફાટવાના બનાવ અંગેના જુદા-જુદા દાવાઓથી સત્ય વધુ ગૂંચવાયું છે. પોલીસ રિપોર્ટ, કામદારોની જુબાની અને ઘટના સ્થળના ટેન્કના ફૂટેજ સ્પષ્ટપણે ટેન્ક ફાટવા તરફ ઇશારો કરી રહ્યા છે. જ્યારે કંપની અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરનો પ્રાથમિક રિપોર્ટ આ દાવાને રદિયો આપે છે. આવા સંજોગોમાં તંત્રએ હવે માત્ર નિવેદનો આપવાને બદલે સઘન અને નિષ્પક્ષ તપાસ કરીને સત્ય બહાર લાવવું પડશે. લોકો એ જોવા માટે રાહ જોઈ રહ્યા છે કે શું તંત્ર ભ્રષ્ટાચાર અને કંપનીના દબાણ સામે ઝૂકી જશે? કે પછી નિર્દોષ કામદારોના જીવ સાથે ચેડાં કરનારા જવાબદારો સામે કડક પગલાં લેશે. આ ઘટનામાં ન્યાય થાય અને જવાબદારોને કડકમાં કડક સજા મળે, તેવી પ્રજાની અપેક્ષા છે.કંપનીના બ્લાસ્ટની આ ગંભીર ઘટનામાં એક મોટો અવરોધ એ છે કે, ઇજાગ્રસ્ત યુવકો અને કંપનીના અન્ય કર્મચારીઓ મીડિયા સમક્ષ નિવેદન આપવા તૈયાર નથી. તેઓ નામ ન આપવાની શરતે જણાવી રહ્યા છે કે, જો તેઓ સત્ય બોલશે તો તેમને નોકરી ગુમાવવી પડશે. કંપની દ્વારા સત્ય છુપાવવા માટે કર્મચારીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે. જે ભયનું વાતાવરણ ઊભું કરે છે. આ પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે કંપની કર્મચારીઓના જીવનની સલામતી કરતાં પોતાના હિતોને વધુ મહત્ત્વ આપે છે. આ ડર અને અસુરક્ષાના કારણે સાચા પુરાવાઓ બહાર આવતા નથી, જેનાથી તપાસની પ્રક્રિયા વધુ જટિલ બની રહી છે. પ્રજા અને તંત્ર માટે હવે એ સમજવું જરૂરી છે કે, આ કર્મચારીઓનું મૌન માત્ર ડર નથી, પરંતુ કંપનીના આંતરિક દબાણ અને અત્યાચારનું પરિણામ છે.

વાગરા: ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટને મામલે વધુ એક ખુલાસો, ફેકટરી ઇન્સ્પેકટરે સ્થળ વિઝીટ કરી, જુઠ્ઠાણાંના પહાડ તળે દટાયેલું સત્ય!, કંપનીનો ઢાંકપિછોડો?

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.