આમોદ નગરપાલિકામાં સફાઈના નાટકનો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલે ચકચાર મચી ગઈ છે. આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા કચરો પાથરીને સફાઈનું નાટક કરવાના મામલે પ્રાદેશિક નિયામકે નોટિસ ફટકારી છે. આ ઘટનાને પગલે સુરતના પ્રાદેશિક અધિક કલેકટર આર.સી પટેલે આમોદ પાલિકાની મુલાકાત લીધી હતી. અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આમોદ નગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે સફાઈ કર્મચારીઓ પાસે ડોલમાંથી કચરો ઠાલવીને પછી જાતે જ સફાઈનું નાટક કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વાયરલ થયેલા વીડિયોના આધારે સુરતના પ્રાદેશિક અધિક કલેકટર આર.સી.પટેલે જણાવ્યું કે આ બાબતે ચીફ ઓફિસરને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. ખુલાસો મળ્યા બાદ કાયદેસરની કાર્યવાહી માટે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં.
આમોદ પાલિકામાં સફાઈના નાટક ઉપરાંત અનેક ભ્રષ્ટાચારના કૌભાંડોની પણ ફરિયાદો મળી છે. અધિક કલેકટરે જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો મળી છે, જેની તપાસ અમારા ઈજનેર દ્વારા કરવામાં આવી રહી છે. મંજૂર થયેલા કામોમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર સાબિત થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આમાં જે પણ કર્મચારી સંડોવાયેલા હશે તેમને છોડવામાં આવશે નહીં. આમોદ નગરપાલિકા સામે માહિતી અધિકાર (RTI) કાયદા હેઠળ આવેલી અરજીઓનો જવાબ ન આપવા અંગે પણ ફરિયાદ મળી છે. આ બાબતે આર.સી.પટેલે જણાવ્યું કે જે ચીફ ઓફિસર વારંવાર આવી ભૂલોનું પુનરાવર્તન કરે છે, તેમના અને સંબંધિત અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવશે. પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે આમોદ અને જંબુસર નગરપાલિકાની કચેરીની મુલાકાત દર ૧૫ દિવસે લેવામાં આવશે. તેમજ વડી કચેરી તરફથી સ્ટાફની ફાળવણી પણ કરવામાં આવશે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com