ધાર્મિક વૈમનસ્ય ફેલાતું અટકાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી ભરૂચના જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું ભરૂચ શહેરના પારસીવાડ/વ્હોરવાડ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક જુમ્મા મસ્જિદ (જામા મસ્જિદ)ની મુલાકાત માટેની માર્ગદર્શિકા નક્કી કરે છે. જાહેરનામાનો મુખ્ય હેતુ મસ્જિદના સ્મારક સ્થળની પવિત્રતા જાળવવાનો અને મુલાકાતીઓ દ્વારા કોઈ પણ અયોગ્ય પ્રવૃત્તિ થતી અટકાવવાનો છે. આ જાહેરનામામાં મસ્જિદની મુલાકાત દરમિયાન પાલન કરવાના નિયમો સ્પષ્ટપણે જણાવવામાં આવ્યા છે. જેમાં નીચે કેટલાક મુદ્દાઓનો સમાવેશ થાય છે.
- મુલાકાતીઓએ મસ્જિદની આસપાસ તેમજ અંદર સ્વચ્છતા અને પવિત્રતા જાળવવી પડશે. ધાર્મિક સ્થળોનું સન્માન જળવાય તે રીતે વર્તન કરવું ફરજિયાત છે.
- મુલાકાતીઓએ એવું કોઈ પણ વર્તન કે પ્રવૃત્તિ ન કરવી, જેનાથી અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય.
- મુલાકાતીઓએ પોલીસ અધિકારીઓની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું પડશે. જો કોઈ વ્યક્તિ નિયમોનો ભંગ કરશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
- કોઈ પણ વ્યક્તિએ સંરક્ષિત સ્મારકની દીવાલમાં ખીલી મારવી નહીં, કોઈ વસ્તુ ખોદવી નહીં કે તેને તોડવી નહીં.
- સંરક્ષિત સ્થળ પર વિસ્ફોટક સામગ્રી રાખવી નહીં અથવા વધુ અવાજ થાય તેવું વાજિંત્ર વગાડવું નહીં.
- પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળોના નિયમ, ૧૯૫૯માં પ્રતિબંધિત કરાયેલાં કૃત્યો કરવાં નહીં.
- આ જાહેરનામાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક સૌહાર્દ જાળવવાનો છે. મુલાકાતીઓએ કાયદો-વ્યવસ્થા અને શાંતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું.
આ જાહેરનામું અમલમાં આવ્યા બાદ જો કોઈ વ્યક્તિ નિયમોનો ભંગ કરશે અથવા કોઈ ગેરવર્તણૂક કરશે તો તે માટે પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરનારને સજા પણ થઈ શકે છે. આ જાહેરનામું ભરૂચના પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક, અને મામલતદાર સહિતના તમામ સંબંધિત અધિકારીઓને પાઠવવામાં આવ્યું છે. જેથી તેઓ આ નિયમોનો કડક અમલ કરાવે.
અત્રે ઉલ્લેખનીય છે, કે ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં તાજેતરમાં એક વિવાદાસ્પદ ઘટના બની હતી. જેમાં ૨૦૦૭ના અજમેર બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી તેમના અનુયાયીઓ સાથે પ્રવેશ્યા હતા. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ભાવેશ પટેલે ચપ્પલ પહેરીને મસ્જિદના ગર્ભગૃહ અને છત સુધી પ્રવેશ કર્યો હતો. આ કૃત્યથી મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. કારણ કે આ ધાર્મિક સ્થળની પવિત્રતાનો ભંગ ગણાય છે. આ ઘટના બાદ સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચાના આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કડક કાર્યવાહીની માંગ કરી હતી. કલેક્ટરે જે જાહેરનામું બહાર પાડ્યું છે. તે આ પ્રકારના સંવેદનશીલ મુદ્દાઓને ઉકેલવાનો એક પ્રયાસ ગણાવી શકાય છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com