૯૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી ભરૂચની દૂધધારા ડેરીમાં સત્તા મેળવવા ભાજપ માટે આ ચૂંટણી એક પ્રતિષ્ઠાનો જંગ બની છે. છેલ્લા ૧૭ વર્ષથી ડેરી પર શાસન કરી રહેલા ઘનશ્યામ પટેલ અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની પેનલ વચ્ચે આજે શુક્રવારે કાંટાની ટક્કર જોવા મળશે. ડેરીની ચૂંટણીમાં એક મતનો ભાવ ૧૦ થી ૧૫ લાખ રૂપિયા બોલાઇ રહ્યો હોવાના દાવા સાથે આ ચૂંટણી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું પીઠબળ ધરાવતા અરુણસિંહ રણાએ ઘનશ્યામ પટેલને પડકાર ફેંકવા માટે પોતાની પેનલ ઉતારી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ઘનશ્યામ પટેલની પેનલના ૧૨ અને અરુણસિંહની પેનલના ૩ ઉમેદવારોને સત્તાવાર મેન્ડેટ આપ્યો હતો. જોકે મેન્ડેટને ગણકાર્યા વગર અરુણસિંહ રણાએ તમામ ૧૫ બેઠકો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. દૂધધારા ડેરીમાં કુલ ૧૫ બેઠકો માટે ૨૯ ઉમેદવારો જંગમાં છે. જેમાં ૧૨ ઝોનની બેઠકો, બે મહિલા અનામત બેઠકો અને એક અનુસૂચિત આદિજાતિની બેઠકનો સમાવેશ થાય છે. મતદાન આજે સવારે ૯ થી સાંજના ૪ વાગ્યા સુધી ભરૂચના આયોજન ભવન ખાતે અને રાજપીપળાના એપીએમસી ખાતે યોજાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાની દૂધ મંડળીના મતદારો ભરૂચમાં અને નર્મદા જિલ્લાની મંડળીના મતદારો રાજપીપળા ખાતે મતદાન કરી રહ્યા છે.
આ ચૂંટણીમાં નાણાંના પ્રવાહને લઈને પણ અનેક આક્ષેપો થઈ રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તો સીધો જ દાવો કર્યો છે કે, આ ચૂંટણીમાં જે પેનલ પાસે વધારે પૈસા હશે તે જીતશે. તેમણે બીટીપીમાંથી આવેલા પ્રકાશ દેસાઈને ભાજપના ઉમેદવાર બનાવવાને પણ પક્ષની મોટી ભૂલ ગણાવી હતી. જોકે પ્રકાશ દેસાઈ બિનહરીફ વિજેતા બન્યા છે. બંને પેનલોએ પોતાના મતદારોને પ્રભાવિત કરવા માટે તમામ પ્રયાસો કર્યા છે અને મતદાનના દિવસે જ તેઓ મતદાન મથક ખાતે પહોંચે તેવી વ્યવસ્થા કરી છે. આ ઉચ્ચ દાવવાળી ચૂંટણીનું પરિણામ ભરૂચના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે. બંને પેનલોએ પોતપોતાની જીતના દાવા કર્યા છે. ત્યારે મતદારો કોના પક્ષમાં મતદાન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com