ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાવો ફેલાવનાર દૂધધારા ડેરીની ચૂંટણી આજે સવારે ૯ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેલી આ ડેરીમાં છેલ્લા ૧૭ વર્ષથી ચેરમેન ઘનશ્યામ પટેલનો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતે વાગરાના ભાજપ ધારાસભ્ય અરુણસિંહ રણાએ પોતાની પેનલ ઉભી કરીને સીધો પડકાર ફેંક્યો છે. ૯૦૦ કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ ડેરીની ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે, જેના પર સૌની નજર મંડાયેલી છે.
કુલ ૧૫ બેઠકો, ૧૪ પર મતદાન : દૂધધારા ડેરીની કુલ ૧૫ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. તેમાંથી એક બેઠક પર અરુણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવતાં સ્પર્ધા ૧૪ બેઠકો પૂરતી સીમિત રહી છે. આ ૧૪ બેઠકો માટે ઘનશ્યામ પટેલ અને અરુણસિંહ રણાની પેનલના ઉમેદવારો મેદાનમાં છે. કુલ ૨૯૬ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, જે ડેરીનું ભવિષ્ય નક્કી કરશે.
શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, કડક પોલીસ બંદોબસ્ત : ચૂંટણીને અનુલક્ષીને ભરૂચના આયોજન ભવન ખાતે સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સજાગ છે. સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જ્યાં મતદારો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. બંને પક્ષના આગેવાનો મતદાન મથકે ઉપસ્થિત રહીને પોતપોતાની પેનલના ઉમેદવારોને સમર્થન આપી રહ્યા છે.
બંને પક્ષોને જીતનો વિશ્વાસ : ચૂંટણીમાં સીધી ટક્કર હોવા છતાં, બંને પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે. ઘનશ્યામ પટેલનું કહેવું છે કે તેમણે છેલ્લા ૧૭ વર્ષમાં ડેરીનો વિકાસ કર્યો છે. અને મતદારો તેમના કાર્યને સમર્થન આપશે. બીજી તરફ અરુણસિંહ રણાએ પણ પોતાની પેનલને વિજયી થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ડેરીમાં પરિવર્તન લાવવાની વાત કરી છે. જોકે, કોણ બાજી મારશે તે તો આવતીકાલે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે. સમગ્ર જિલ્લાના પશુપાલકો અને રાજકીય વર્તુળોમાં આ ચૂંટણીનું પરિણામ જાણવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ ચૂંટણી ભાજપ માટે પણ અંદરખાને જૂથવાદનો અંત લાવવા કે તેને વધુ મજબૂત કરવા માટે નિર્ણાયક સાબિત થશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com