Geo Gujarat News

વાગરા: ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટીની જનસભા, ભાજપ પર આકરા પ્રહારો, કોંગ્રેસમાંથી સામૂહિક એન્ટ્રી

આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના સંગઠનને મજબૂત કરવા માટે શરૂ કરેલા “ગુજરાત જોડો” સભ્યતા અભિયાન અંતર્ગત વાગરા ખાતે સ્વામીનારાયણ હોલમાં વિશાળ જનસભાનું આયોજન કર્યું હતું. આ સભા દરમિયાન ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા તેમજ કોંગ્રેસ છોડીને અનેક આગેવાનો અને કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, જેને કારણે સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.ભાજપના ભ્રષ્ટાચાર સામે સીધો આક્ષેપ : સભામાં જિલ્લા આગેવાન કમલેશ મઢીવાલાએ ભાજપની આંતરિક ખીંચાતાણ અને જિલ્લા સહકારી સંસ્થાઓમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે કડક શબ્દોમાં વાંધો ઉઠાવ્યો. તેમણે જણાવ્યું કે ભરૂચ જિલ્લા સહકારી બેંક જેવી ખેડૂત હિતની સંસ્થા ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારથી ખડબડતી થઈ ગઈ છે. ભાજપના નેતાઓ કરોડો રૂપિયાનું કાળું નાણું ડેરી સહિતની ચૂંટણીમાં વહેંચી નાખે છે. હિન્દુત્વ અને દેશભક્તિના નારા ભાજપ માટે માત્ર રાજકીય ચળવળ છે, હકીકતમાં તેઓ નર્મદા માતાની પરંપરાને પણ નુકસાન પહોંચાડવા પાછળ પડ્યા છે.યાકુબ ગુરજીનો પ્રહાર : આદિવાસી સમાજને લૂંટવાનો આરોપ : ભરૂચ લોકસભા ઈન્ચાર્જ યાકુબ ગુરજીએ ભાજપ પર વધુ સીધો પ્રહાર કરતાં કહ્યું કે આદિવાસી વિસ્તાર માટેની યોજનાઓ નકલી કચેરીઓ અને નકલી અધિકારીઓ દ્વારા ભાજપના નેતાઓના ખિસ્સામાં જતી હતી. તેમણે ચૈતરભાઈને જેલવાસ આપવાનો મામલો ભાજપની રાજકીય બદલો લેવાની માનસિકતા ગણાવ્યો. સાથે જ તેમણે હાકલ કરી કે સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દરેક બેઠક પર લડીને ભાજપને સખત ટક્કર આપશે.સ્થાનિક પ્રશ્નો પર કેન્દ્રિત ચર્ચા કરાઈ : સભામાં સ્થાનિક પ્રશ્નો ખાસ કરીને પ્રબળ રીતે ઉઠાવવામાં આવ્યા. ઔદ્યોગિક એકમોમાં સતત થતા અકસ્માતો, વળતર ન મળવાના કેસો, સ્થાનિકોને 80 ટકા રોજગારીનો હક, ગામોની ગૌચર જમીનો કંપનીઓને સોંપી દેવાતા મુદ્દા, દિવસે દિવસે વધતું પ્રદૂષણ, કપાસના ભાવમાં ઘટાડો, તેમજ રોડ અને પરિવહન સુવિધામાં ભ્રષ્ટાચાર જેવા અનેક મુદ્દાઓ આગેવાનોએ ઉપસ્થિત કર્યા હતા. ખાસ કરીને વાગરા-પખાજણ અને વિલાયત-દેરોલ માર્ગોના ભંગાર હાલતને ઉદાહરણરૂપ બતાવી સ્થાનિક વિકાસને ભાજપની નિષ્ફળતા ગણાવવામાં આવી. સરકારી કચેરીઓમાં સતત ગેરહાજર રહેતા અધિકારીઓ અને પૈસા વિના કામ ન કરતા કર્મચારીઓ સામે પણ તીખા શબ્દોમાં આક્ષેપો થયા.કોંગ્રેસમાંથી સામૂહિક એન્ટ્રી : જનસભાનો મુખ્ય આકર્ષણ રહ્યો કોંગ્રેસમાંથી મોટા પાયે થયેલો ત્યાગ અને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો પ્રસંગ હતો. કોંગી આગેવાન ઉસ્માનભાઈ ઉમરજી પટેલ પોતાના 32 સાથીઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા. સાથે જ તાલુકા કોંગ્રેસના મહામંત્રી અને સંગઠન મંત્રી ઉપરાંત વહિયાલ ગામના કિરણસિંહ રાજ અને ઓચ્છણ ગામના ભાજપ આગેવાન દશરથ વસાવાએ પણ પાર્ટી બદલી. કુલ મળીને આશરે 49 જેટલા કાર્યકરો અને યુવાનો આમ આદમી પાર્ટીના ખેસ સાથે જોડાયા. આ નવા જોડાયેલા લોકોમાં ભેરસમ, ઓચ્છણ, ચાચવેલ, કલમ અને વિછ્યાદ જેવા ગામોના યુવાનોનો મોટો હિસ્સો હતો. જેને કારણે પાર્ટીના સ્થાનિક સંગઠનને નવી ઉર્જા મળી હોવાનું માનવામાં આવે છે.સ્થાનિક લોકોની પ્રતિક્રિયા : સભામાં ઉપસ્થિત રહેલા ગામડાના લોકોમાં મુદ્દાઓને લઈને ભારે પ્રતિસાદ જોવા મળ્યો હતો. ખેડુતોમાં કપાસના ઓછા ભાવ અને આયાત ડ્યૂટીની નીતિને લઈને રોષ હતો તો યુવાનોમાં રોજગારીના અભાવને લઈને ચિંતા સ્પષ્ટ જોવા મળી. ઘણા લોકોએ સરકારી કચેરીઓમાં થતા ભ્રષ્ટાચારને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો અને જણાવ્યું કે કામ કરાવવા માટે વારંવાર દોડવું પડે છે છતાં અધિકારીઓ ગેરહાજર રહે છે અથવા પૈસા માગે છે. કેટલાક વડીલોએ ઉમેર્યું કે ગામોની ગૌચર જમીનો કંપનીઓને સોંપી દેવાતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પ્રજાએ ખુલ્લેઆમ કહ્યું કે આમ આદમી પાર્ટીએ જે પ્રશ્નો ઉઠાવ્યા તે ખરેખર સામાન્ય જનજીવનને અડકતા પ્રશ્નો છે અને તેમની સાથે વાત કરતા લાગી રહ્યું હતું કે લોકો હવે પરિવર્તનની રાહ જોઈ રહ્યા છે.રાજકીય પરિસ્થિતિ પર અસર : વાગરા તાલુકા તથા ભરૂચ જિલ્લામાં ભાજપનો લાંબા સમયથી મજબૂત કિલ્લો રહ્યો છે. પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા સતત ભ્રષ્ટાચાર, બેરોજગારી અને વિકાસના અભાવ જેવા મુદ્દાઓને ઉઠાવવામાં આવતા સ્થાનિક સ્તરે ભાજપ સામે અસંતોષ વધતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસમાંથી સામૂહિક રીતે થયેલા ત્યાગને પણ આમ આદમી પાર્ટી માટે રાજકીય લાબું માનવામાં આવી રહ્યું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો આમ આદમી પાર્ટી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જબરદસ્ત રીતે મેદાનમાં ઊતરે તો ભાજપને કઠિન સ્પર્ધા મળી શકે છે. બીજી તરફ કોંગ્રેસના સતત ખિસકોળાને કારણે તેનો પ્રભાવ વિસ્તાર ઘટતો જણાઈ રહ્યો છે.ટૂંક સમયમાં વધુ 30–40 કોંગ્રેસી કાર્યકરો આપમાં જોડાશે, સભામાં સંકેત : ઉલ્લેખનીય છે, કે સભાના અંતે આમ આદમી પાર્ટીના આગેવાનોએ દાવો કર્યો કે ભરૂચ જિલ્લામાંથી આગામી દિવસોમાં વધુ 30 થી 40 જેટલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો પાર્ટીમાં જોડાશે. ખાસ વાત એ રહી કે આ સભામાં પણ કેટલાક કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેથી આપેલા સંકેતો ખરેખર સાચા પડી શકે છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે કોંગ્રેસમાં આંતરિક અસંતોષ વધી રહ્યો છે અને તેનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે, જે સ્થાનિક રાજકીય સમીકરણોને બદલાવી શકે છે.વાગરાની આ જનસભાએ માત્ર સભ્યતા અભિયાનને જ નહીં, પરંતુ પ્રદેશની રાજકીય પરિસ્થિતિને નવી દિશા આપી છે. ભાજપ સામે આકરા શબ્દોમાં હુમલો, કોંગ્રેસમાંથી સામૂહિક જોડાણ, સ્થાનિક પ્રશ્નોને પ્રાથમિકતા અને સામાન્ય જનતાની વેદનાઓ આ ચારેય મુદ્દાઓએ આમ આદમી પાર્ટીના અભિયાનને પ્રચંડ ગતિ આપી છે. આવનારા દિવસોમાં આ રાજકીય ગરમાવો કેવી અસર પાડે છે તે જોવાનું રહેશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.