Geo Gujarat News

વાગરા: ઇસ્લાહે મુઆશરા કાર્યક્રમ યોજાયો, ધાર્મિક-સામાજિક વિચારોની ગુંજ, શિક્ષણ-એકતા અને ભાઈચારાનો સંદેશ

વાગરા વાંટા વિસ્તારમાં મદ્રસાએ નુરુલ ઇસ્લામના નેજા હેઠળ અમિયલ સહિદ બાવાની દરગાહ પાસે આયોજિત ઇસ્લાહે મુઆશરા કાર્યક્રમ સમાજમાં નવી જાગૃતિ અને ઉમંગનું વાતાવરણ સર્જવામાં સફળ રહ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના લોકો, યુવાનો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા. જેના કારણે પ્રસંગને ભવ્યતા અને ઉત્સાહ મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરઆનની તિલાવતથી મૌલાના અઝહરુદ્દીન સાહેબે કરી હતી. જેના સ્વરોએ સમગ્ર માહોલને આધ્યાત્મિકતા અને શાંતિથી ભર્યો હતો. ત્યારબાદ મુખ્ય વક્તા મકબૂલભાઈ વકીલે હાઉ ટુ કમ્યુનિટી બિલ્ડ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમના વક્તવ્યમાં સમાજમાં એકતા, સહકાર અને આશાનો સંદેશ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થયો હતો. આર્કિટેક્ચર ડિઝાઇનર વલીઉલ્લાહ ખત્રીએ વર્તમાન મુસ્લિમ સમાજની પરિસ્થિતિનું વિશ્લેષણ કરતા તેના ઉકેલ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે સમાજ સુધાર માટે પ્રેરક માર્ગદર્શન આપતાં યુવાનોને આગેવાની લેવા આહવાન કર્યું હતું. નિવૃત શિક્ષક મહેબૂબ માસ્ટરે અશિક્ષણ અને અજ્ઞાનને સમાજ માટેની સૌથી મોટી સમસ્યા ગણાવી હતી. તેમણે શિક્ષણ, જાગૃતિ અને સંસ્કાર દ્વારા જ સમાજમાં સુધારો શક્ય હોવાનું ઉલ્લેખ્યું.ઈમામે મસ્જિદે પોતાના ઉર્જાસભર પ્રવચનમાં ઈસ્લામિક વાતાવરણ જાળવવાની અગત્યતા પર ભાર મૂક્યો. તેમણે સત્કાર, ભાઈચારો, નૈતિક મૂલ્યો અને ઈમાનદારી જેવી બાબતોને સમાજના આધારસ્તંભ ગણાવતાં દરેકને તેનો અમલ જીવનમાં કરવા અપીલ કરી હતી. કાર્યક્રમનું સફળ આયોજન સિકંદર ભટ્ટી, ઇમરાન ભાઈ, નિઝામ ભાઈ, રફીક ગંધારવાળા, મુન્નાભાઈ રાજ તથા વાગરા યંગ કમિટીના સહયોગથી થયું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. પ્રસંગના અંતે ઉપસ્થિત દરેકના ચહેરા પર નવી ઊર્જા, આશા અને પ્રેરણાનો તેજ ઝળહળતો જોવા મળ્યો. આ કાર્યક્રમ વાંગરા વિસ્તારમાં સમાજ સુધાર, શિક્ષણ અને એકતા માટે એક મહત્વપૂર્ણ પગલું બની રહેવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.