Geo Gujarat News

આમોદ: આપની રસ્તા બનાવો જિંદગી બચાવો અભિયાન અંતર્ગત બાઇક રેલી શરૂ થાય તે પહેલાં જ અટકી, પોલીસે 16 કાર્યકરોની અટકાયત કરાઈ

આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા બનાવો જિંદગી બચાવો અભિયાન હેઠળ આયોજિત વિરોધ પ્રદર્શન આજે આમોદમાં નિષ્ફળ રહ્યું હતું. નેશનલ હાઈવે નંબર 64 પરના ખાડાવાળા રસ્તાના વિરોધમાં બાઈક રેલી કાઢવાનો કાર્યક્રમ હતો. પરંતુ પોલીસે 16 જેટલા કાર્યકરોની અટકાયત કરતાં આ કાર્યક્રમ રદ કરવો પડ્યો. પ્રાપ્ત માહિતી મુજબ આપના કાર્યકરોએ આમોદ ચાર રસ્તાથી સમા હોટલ સુધીના બિસ્માર રસ્તાઓ સામે વિરોધ નોંધાવવાનું આયોજન કર્યું હતું. કાર્યક્રમનો નિર્ધારિત સમય વીતી ગયા પછી પણ કાર્યકરો સમયસર ભેગા ન થતાં કાર્યક્રમ મોડો શરૂ થયો હતો. દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આમોદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. કાર્યક્રમ મોડો થતા પોલીસે પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પોલીસે સીધા આમ આદમી પાર્ટીના પ્રમુખના ઘરે પહોંચી જ્યાંથી રેલી શરૂ થવાની હતી. પોલીસે ત્યાંથી જ 16 જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. તમામ કાર્યકરોને આમોદ પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે આપનો આયોજિત વિરોધ કાર્યક્રમ રદ થયો હતો. પોલીસે આ કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી કરી હોવાનું જણાવ્યું છે.

યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.