મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત અખિલ ભારતીય મુસ્લિમ મહાસંમેલન માટે ગુજરાતમાંથી સૌથી વિશાળ અને ઉત્સાહપૂર્ણ પ્રતિનિધિમંડળ ન્યુ દિલ્હી તરફ રવાના થયું છે. રાજધાની દિલ્હી સ્થિત તાલકટોળા સ્ટેડિયમ ખાતે યોજાનાર આ ભવ્ય મહાસંમેલનમાં દેશના અનેક પ્રાંતોમાંથી આગેવાનો, યુવા કાર્યકર્તાઓ, મહિલાઓ અને ધાર્મિક વિદ્વાનો હાજરી આપશે. પરંતુ ગુજરાતની સહભાગિતાને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત પ્રદેશના શેત્રિય સંયોજક સલીમ ખાન પઠાણની અધ્યક્ષતામાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી હજારો કાર્યકર્તાઓ આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે રવાના થયા છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ જેવા તમામ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો લક્ઝરી બસો અને ટ્રેનો દ્વારા દિલ્હીની મુસાફરી કરી રહ્યા છે. આ મહાસંમેલનનું મુખ્ય આકર્ષણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તથા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સર્વોચ્ચ માર્ગદર્શક ઇન્દ્રેશકુમારજીની અધ્યક્ષતા રહેશે. તેમના માર્ગદર્શન હેઠળ વર્ષોથી પ્રસારિત થતો રાષ્ટ્રીય એકતા, સમરસતા અને દેશભક્તિનો સંદેશ આ મહાસંમેલન દ્વારા વધુ મજબૂત બનાવવામાં આવશે. ગુજરાતના જુદા જુદા તાલુકા અને જિલ્લાઓમાંથી જોડાયેલા યુવાનો, મહિલાઓ અને સામાજિક આગેવાનો માને છે કે આ સંમેલન મુસ્લિમ સમાજ માટે એક ઐતિહાસિક વળાંક સાબિત થશે, જે સમાજને એકતા અને દેશપ્રેમના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપશે.
કાર્યક્રમ દરમિયાન શિક્ષણ, રોજગાર, યુવાનોનું ભવિષ્ય, મહિલા સશક્તિકરણ, ગરીબી નિવારણ, સામાજિક ન્યાય, પર્યાવરણ અને રાષ્ટ્રીય એકતા જેવા અગત્યના મુદ્દાઓ પર વિશદ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને, ગુજરાતના પ્રતિનિધિઓ તેમની ભૂમિકા અને વિકાસના અનુભવો રજૂ કરશે. જેનાથી સમગ્ર દેશમાં ગુજરાતના યોગદાનનો પ્રચાર થશે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા ભાઈચારાની ભાવના જગાડવા, ગરીબ વર્ગના વિકાસ માટે યોજનાઓ અમલમાં મૂકવા અને બંધારણીય મૂલ્યોને મજબૂત કરવાના પ્રયાસોમાં ગુજરાતે હંમેશા અગત્યની ભૂમિકા ભજવી છે. આ મહાસંમેલન એ પ્રયાસોને નવી ઊંચાઈએ લઈ જશે. સ્ટેડિયમમાં ઉમટી પડનારા હજારો લોકોમાં ખાસ કરીને ગુજરાતી કાર્યકર્તાઓની ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. મહિલાઓ અને ગુજરાતમાં સમાજના બદલાતા દ્રષ્ટિકોણ અને સશક્તિકરણની સાબિતી છે. દેશના વિવિધ રાજ્યોના ધાર્મિક આગેવાનો સાથે ગુજરાતના આગેવાનો પણ મંચ પરથી સંબોધન કરશે. અંતે ઇન્દ્રેશકુમારજીના પ્રેરણાત્મક સંબોધનથી રાષ્ટ્રની એકતા, અખંડતા અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન મળશે. ગુજરાતમાંથી જોડાયેલા હજારો કાર્યકર્તાઓ માટે આ સંદેશ એક નવી પ્રેરણાત્મક સફરનો પ્રારંભ સાબિત થશે. નોંધનીય છે કે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ આરએસએસની પાંખ તરીકે ઓળખાય છે, તેમ છતાં આ મંચ દ્વારા વર્ષોથી આપવામાં આવતા રાષ્ટ્રીય એકતા, સમરસતા અને દેશભક્તિના સંદેશને ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં પ્રશંસા મળી રહી છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com