Geo Gujarat News

વાગરા: કંસાઈ નેરોલેકમાં આગ બાદ પોલીસ-FSL ની ત્વરિત કાર્યવાહી, છતાં પુરાવા નષ્ટ કરવાના સનસનાટીપૂર્ણ આક્ષેપો!

વાગરા તાલુકાની સાયખા જીઆઇડીસીમાં આવેલી કંસાઇ નેરોલેક કંપનીમાં ગત બુધવારે સવારે લાગેલી ભીષણ આગ માત્ર એક અકસ્માત નહોતી, પરંતુ કંપનીના મેનેજમેન્ટની ગુનાહિત બેદરકારી, વહીવટી તંત્રની નિર્લજ્જ નિષ્ક્રિયતા અને કદાચ પુરાવા નષ્ટ કરવાના સનસનાટીપૂર્ણ ષડયંત્ર તરફ આંગળી ચીંધે છે.​પોલીસ અને FSL ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી. : ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તાત્કાલિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટીમને સાથે રાખી ઘટના સ્થળના નમૂના લીધા હતા. અને જરૂરી કાર્યવાહીને વેગ આપ્યો હતો. આ સાથે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે પણ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી હતી. જોકે આ પગલું આગની જ્વાળામાં છુપાયેલા ગંભીર સવાલોને દબાવી શકશે નહીં.
પુરાવા નષ્ટ કરવાનું કાવતરું?, ફાયર ટીમને ગેટ પર રોકવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ : આ સમગ્ર ઘટનાનું સૌથી આઘાતજનક અને શંકાસ્પદ પાસું ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના નેતા ઇમ્તિયાઝ પટેલે બહાર પાડ્યું છે. તેમણે સનસનાટીપૂર્ણ આક્ષેપ કર્યો છે કે, આગ પર કાબૂ મેળવવા આવેલા ફાયર ફાઇટર્સ અને પોલીસની ટીમને પણ કંપનીના ગેટ પર પ્રોટોકોલના નામે રોકી રાખવામાં આવી હતી! ​આ પગલું માત્ર વિલંબકારક કે ગેરવહીવટી નથી. પરંતુ ગુનાહિત બેદરકારી અને પુરાવા નષ્ટ કરવાના પ્રયાસ સમાન છે. શા માટે આગ બુઝાવવા આવનાર ટીમને અમૂલ્ય સમય માટે રોકવામાં આવી? શું કંપનીને કોઈ નિર્ણાયક પુરાવાઓને નષ્ટ કરવા હતા? શું આ આગ વીમો પકવવા અથવા અન્ય કોઈ નાણાકીય ગેરલાભ માટેનું સુનિયોજિત ષડયંત્ર હતું? કંપનીનો આ અમાનવીય અને શંકાસ્પદ વ્યવહાર ગંભીર પોલીસ અને ન્યાયિક તપાસ માંગી લે છે.૨૭૦°C ના લીકેજને અકસ્માત ગણવો એ સુરક્ષાની મજાક! : ફેક્ટરી ઇન્સ્પેક્ટર દિનેશ ગામીતના પ્રાથમિક અનુમાન મુજબ થર્મિક ફલુઇડ પ્લાન્ટમાં આવેલા હીટરમાંથી ગાસ્કેટ લીકેજ થવાને કારણે ૨૭૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળું ગરમ ઓઇલ બહાર આવ્યું અને ઇન્સ્યુલેશન પર પડતાં આગ લાગી હતી. સવાલ એ છે કે જ્યાં ૨૭૦ ડિગ્રીના તાપમાનનું અતિ-જ્વલનશીલ પ્રવાહી ફરતું હોય ત્યાં ગાસ્કેટનું લીકેજ થવું એ ગંભીર બેદરકારી નથી તો શું છે? આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે, કંપની દ્વારા નિયમિત જાળવણી અને સુરક્ષા ઓડિટના કેવા ધજાગરા ઉડાડવામાં આવ્યા હશે. કંપની માટે કર્મચારીઓની સુરક્ષા અને પ્લાન્ટની સલામતી કરતાં ઉત્પાદનનો આંકડો અને નફો જ સર્વોપરી હતો. જેના પરિણામે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ અને આબાદ ૩૦૦ કર્મચારીઓનો જીવ જોખમમાં મુકાયો.​વહીવટી તંત્રની નિષ્ક્રિયતા, GIDC ના ખંઢેર રસ્તાઓ બન્યા વિલંબનું કારણ : કંપનીની બેદરકારી ઉપરાંત આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની નિર્લજ્જ નિષ્ક્રિયતા પણ છતી કરી છે. વાગરા અને સાયખા GIDCના ખંઢેર અને બિસમાર રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે, કટોકટીના સમયે ફાયર ટેન્ડરો પણ સમયસર ઘટના સ્થળે પહોંચી શક્યા નહોતા! ​GIDC માં રોડ-રસ્તા જેવી પાયાની સુવિધાઓ જાળવવામાં નિષ્ફળ રહેલું વહીવટી તંત્ર પણ આ દુર્ઘટનામાં થયેલા નુકસાન માટે એટલું જ જવાબદાર છે. ​હવે જરૂર છે કે, આ તપાસ માત્ર અકસ્માત પૂરતી સીમિત ન રહે. કંપનીના મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અને GIDC ના નબળા માળખા માટે જવાબદાર સ્થાનિક અધિકારીઓ સામે પણ તપાસનો દૌર શરૂ થવો જોઈએ.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.