વાગરા તાલુકામાં KP ગ્રુપ સોલાર કંપની દ્વારા ચાલી રહેલી કામગીરીએ ગંભીર સલામતી અને કાયદાકીય સવાલો ઊભા કર્યા છે. રોડની બાજુમાં આડેધડ ખોદાયેલા જીવલેણ ખાડાઓ, જાહેર સંપત્તિને નુકસાન અને GEB કેબલ્સને વારંવાર થયેલા ડેમેજ છતાં વહીવટી તંત્રની આંખ આડા કાન કરવાની નીતિએ કંપનીની બેફામગીરી અને અધિકારીઓની સંડોવણી તરફ ઈશારો કર્યો છે. વાગરા તાલુકા પંચાયતના ઉપ-પ્રમુખ ઇમરાન ઇસ્માઇલ ભટ્ટીએ તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે વાગરા મામલતદાર સમક્ષ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે.
ત્રણ મહિનાથી ખુલ્લા, ૬ ફૂટ ઊંડા જીવલેણ ખાડા, અકસ્માતનું જોખમ : ઇમરાન ભટ્ટીએ કરેલ ફરિયાદ મુજબ KP ગ્રુપ દ્વારા વાગરા ખાતે હનુમાન ચોકડીથી લઈને જી.ઇ.બી ચોકડી સુધીના મુખ્ય માર્ગની બાજુમાં પાંચથી છ ફૂટ ઊંડા ખાડા છેલ્લા ત્રણ મહિનાથી ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે. આ ખાડાઓમાં આજ દિન સુધી કોઈ પુરાણ કરવામાં આવ્યું નથી. જેના કારણે મેઇન રોડ પર કોઈ પણ સમયે મોટો અકસ્માત થવાનું અને જાનહાની થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આટલો ગંભીર ખતરો હોવા છતાં KP ગ્રુપ સોલાર કંપની દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી લેવામાં આવી નથી. ઉપ-પ્રમુખ ઇમરાન ભટ્ટીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, જો કોઈ મોટો અકસ્માત થાય અને જાનહાની થાય તો તેની સંપૂર્ણ જવાબદારી KP સોલાર ગ્રુપ કંપનીની રહેશે.
કાયદાનો ભંગ અને જાહેર સંપત્તિનું નુકસાન! : બેદરકારી માત્ર ખાડા પૂરતી સીમિત નથી. કંપની પર સરકારશ્રીની ગાઈડલાઈનનો ભંગ કરવાનો પણ આક્ષેપ છે. નિયમ મુજબ રોડથી ૧૫ મીટર સુધી કોઈ પણ પ્રકારનું બાંધકામ કે દબાણ કરી શકાતું નથી. તેમ છતાં જી.ઇ.બી ચોકડી પાસે KP ગ્રુપની પાઇપોનો મોટો જથ્થો આડેધડ રીતે પડતર હાલતમાં છે. જે તાત્કાલિક દૂર કરવા માંગ કરાઈ છે. વળી કામગીરી દરમિયાન સારણ જતા ટર્નિંગ પાસે અંડરગ્રાઉન્ડ કેબલ નાખતી વખતે માર્ગની બાજુમાં લગાવેલા દિશા સૂચક બોર્ડ પણ તોડી પાડવામાં આવ્યા છે. શું આટલી હદે જાહેર સંપત્તિની બેદરકારી અને નુકસાન દાખવવું યોગ્ય છે?
GEB કેબલ્સને વારંવાર ડેમેજ છતાં કંપની બેફામ કેમ? : KP ગ્રુપની કામગીરીની આડેધડ ડ્રિલિંગની પદ્ધતિને કારણે ભૂતકાળમાં પણ વારંવાર વાગરા GEBના અંડરગ્રાઉન્ડ કેબલ્સ ડેમેજ થયા હોવાની નોંધ લેવાઈ છે. આ બેદરકારી બદલ GEB દ્વારા KP ગ્રુપને નોટિસો પણ પાઠવવામાં આવી છે. વારંવારની ચેતવણીઓ છતાં જો આ કંપની પોતાની બેફામગીરી ચાલુ રાખતી હોય તો તેનાથી એવો ગંભીર સવાલ ઊભો થાય છે કે, કોના પીઠબળ હેઠળ KP ગ્રુપ આટલી હદે નિયમભંગ અને બેફામ બન્યું છે?
વહીવટી તંત્રની સંડોવણીના ગંભીર આક્ષેપો : સ્થાનિક નેતાની ફરિયાદ અને વારંવારના અકસ્માતના જોખમ છતાં વહીવટી તંત્રનું મૌન શંકા પ્રેરે છે. શું વહીવટી તંત્રને આ ખુલ્લી બેફામગીરી દેખાતી નથી? કે પછી જે તે વિભાગના અધિકારીઓએ પોતાના હિસ્સા ખિસ્સામાં કરીને આ સમગ્ર મામલે મોન ધારણ કર્યું છે. તેવો સીધો અને ગંભીર આક્ષેપ પણ થઈ રહ્યો છે. આ મામલે તંત્રએ માત્ર કાગળ પર કાર્યવાહી કરવાને બદલે KP ગ્રુપ વિરુદ્ધ સલામતીના નિયમોના ભંગ, જાહેર સંપત્તિને નુકસાન અને કાયદાના ઉલ્લંઘન બદલ તાત્કાલિક કડક ફોજદારી કાર્યવાહી કરવી અનિવાર્ય છે. તમામ જવાબદારો સામે સખત પગલાં લેવામાં નહિ આવે તો આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના થશે તો તેની સીધી જવાબદારી વહીવટી તંત્રની પણ ગણાશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com