KP ગ્રુપે મીડિયાના ડરે કામગીરી કરી! શું હવે વહીવટી તંત્ર પોતાની જવાબદારી સ્વીકારશે? : વાગરા તાલુકામાં KP ગ્રુપ સોલાર કંપનીની બેફામગીરીને કારણે રોડની બાજુમાં ખોદાયેલા પાંચથી છ ફૂટ ઊંડા જીવલેણ ખાડાઓનો મામલો GEO GUJARAT NEWS માં ઉછળતા જ કંપની હરકતમાં આવી છે. અને તાત્કાલિક ધોરણે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીએ વહીવટી તંત્રના લાંબા સમયના મૌન સામે સવાલો ઉભા કર્યા છે.
શું હવે વહીવટી તંત્ર પોતાની જવાબદારી સ્વીકારશે? : તાલુકા પંચાયતના ઉપ-પ્રમુખ ઇમરાન ઇસ્માઇલ ભટ્ટીએ આ મામલે મામલતદારને લેખિત ફરિયાદ કરી હતી. જેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી આ ખાડાઓ ખુલ્લા છે. અને તેના કારણે મોટી જાનહાનીનું જોખમ તોળાઈ રહ્યું છે. કંપનીએ સલામતીના કોઈ પગલાં લીધા નહોતા. KP ગ્રુપ પર માત્ર ખાડાઓ ખુલ્લા છોડવાનો જ નહીં પણ નિયમોનો ભંગ કરીને રોડની ૧૫ મીટરની મર્યાદામાં પાઇપોનો જથ્થો આડેધડ રાખવાનો પણ આક્ષેપ હતો. વળી GEBના કેબલ્સ વારંવાર ડેમેજ થવા છતાં કંપનીની બેફામગીરી ચાલુ હતી. સ્થાનિક નેતાની ફરિયાદ અને ગંભીર જોખમ હોવા છતાં વહીવટી તંત્રનું લાંબા સમયનું મૌન અત્યંત શંકાસ્પદ હતું. અધિકારીઓ પોતાના હિસ્સા ખિસ્સામાં કરીને કંપનીને છાવરી રહ્યા હોવાની પણ બૂમો ઉઠવા પામી છે.
મીડિયા અહેવાલ બાદ KP ગ્રુપમાં દોડધામ : જોકે આ સમગ્ર અહેવાલ GEO GUJARAT NEWS માં પ્રકાશિત થતાં જ KP ગ્રુપની ઊંઘ ઊડી હતી. આજરોજ કંપની દ્વારા તાત્કાલિક અસરથી ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે, સ્થાનિક તંત્ર કાગળ પરની કાર્યવાહી કે પ્રજાના જીવના જોખમની ગંભીરતાને બદલે મીડિયાના દબાણ હેઠળ જ કામગીરી કરવા પ્રેરાય છે. જાગૃત નાગરિકો હવે માંગ કરી રહ્યા છે કે, માત્ર ખાડા પુરવાથી વાત પૂરી થતી નથી. પણ સલામતીના નિયમોના ભંગ અને જાહેર સંપત્તિને નુકસાન બદલ કંપની વિરુદ્ધ કડક ફોજદારી કાર્યવાહી પણ થવી જોઈએ.
બેફામ KP ગ્રુપ પર કાયદાનો ડંડો ક્યારે? ખાડા પુરાયા, પણ જાહેર સંપત્તિને નુકસાન બદલ કડકમાં કડક ફોજદારી પગલાંની માંગ. : KP ગ્રુપ દ્વારા મીડિયાના દબાણ હેઠળ જીવલેણ ખાડાઓ પૂરવાની કામગીરી ભલે શરૂ થઈ હોય, પરંતુ આ પગલું ગુનાને ઢાંકવાનો પ્રયાસ માત્ર છે. સવાલ માત્ર ખાડા પૂરવાનો નથી, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી જાહેર માર્ગ પર જોખમ ઊભું કરવા બદલ, GEB કેબલ્સને વારંવાર નુકસાન પહોંચાડવા બદલ અને દિશા સૂચક બોર્ડ જેવી જાહેર સંપત્તિને તોડી પાડવા બદલ કાયદેસરના પગલાં લેવાનો છે. પ્રજા સ્પષ્ટપણે માને છે કે, કંપનીએ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરીને જે બેફામગીરી આચરી છે, તે બદલ માત્ર ખાડો પુરાવવો પૂરતું નથી. વહીવટી તંત્રે હવે ત્વરિત કાર્યવાહી કરીને KP ગ્રુપ વિરુદ્ધ કડકમાં કડક ફોજદારી ફરિયાદ દાખલ કરવી જોઈએ, જેથી જાહેર કામોમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈપણ કોન્ટ્રાક્ટરને દૃષ્ટાંતરૂપ પાઠ મળી રહે. અન્યથા કંપની અને અધિકારીઓની મિલીભગતની શંકા કાયમ રહેશે અને બેફામગીરી ચાલુ રહેશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com