Geo Gujarat News

વાગરા: KP ગ્રુપની દાદાગીરી સામે તંત્રની લાચારી, માલિકીની જમીન પર ગેરકાયદેસર ખોદકામનો સનસનીખેજ આક્ષેપ!

મંજૂરીના કાગળો કાગળ બેગમાં નથી કહી KP ગ્રુપના વ્યક્તિએ મંજૂરી બતાવવાનો કર્યો ઇનકાર : વાગરામાં KP ગ્રુપની બેફામગીરી અને મનમાની સામે વહીવટી તંત્રની સ્પષ્ટ લાચારીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક જમીન માલિકે પોતાની માલિકીની જગ્યામાં ગેરકાયદેસર ખોદકામ થતું હોવાના ગંભીર આક્ષેપ સાથે આ કામગીરી તાત્કાલિક અટકાવી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમીન માલિક મુસ્તાકભાઈ દલાલે તેમની માલિકીની જગ્યામાં થઈ રહેલા ખોદકામ પર સવાલો ઉઠાવ્યા હતા અને કામ રોકાવ્યું હતું. સ્થળ પર હાજર KP ગ્રુપના પ્રતિનિધિ ભાવસિંગભાઈ નામના વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેમની પાસે ખોદકામ માટેના તમામ જરૂરી મંજૂરી પત્રો છે. જોકે જ્યારે મુસ્તાકભાઈએ ભાવસિંગભાઈ પાસે આ મંજૂરીના કાગળો બતાવવાની માંગણી કરી ત્યારે ભાવસિંગભાઈએ સંતોષકારક જવાબ આપવાને બદલે લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, આજે હું બેગ લઈને નથી આવ્યો. પછી બતાવી દઈશ. આ જવાબથી KP ગ્રુપની કામગીરીની કાયદેસરતા પર મોટો સવાલ ઊભો થયો છે.R&B વિભાગના અધિકારી ફોન ઉપાડતા નથી! : આ સમગ્ર મામલે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને લાપરવાહી સ્પષ્ટ દેખાઈ રહી છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે હાલ જે ખોદકામ ચાલી રહ્યું છે, તેની સ્થાનિક વહીવટી તંત્રને કોઈ જ જાણકારી નથી! આટલું જ નહીં ખોદકામ માટે R&B વિભાગની મંજૂરી લેવાઈ છે કે કેમ તે જાણવા માટે R&B વિભાગના D.E રોનક શાહનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી. જેના કારણે મંજૂરીની સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી.બધા ખાડા અમારા નથી, અકસ્માતની જવાબદારી લેવા અમે તૈયાર છીએ! : સ્થળ પર હાજર ભાવસિંગભાઈએ પોતાની દલીલો ચાલુ રાખતા જણાવ્યું હતું કે, બધા ખાડા KP ગ્રુપ દ્વારા કરાયેલા નથી અમુક ખાડાઓ GEB દ્વારા કરવામાં આવ્યા હોવાની તેમણે પુષ્ટિ કરી હતી. સાથે જ તેમણે ભારપૂર્વક દાવો કર્યો હતો કે જો કોઈ પણ અકસ્માત સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી અમે લેવા માટે તૈયાર છે. જોકે ગેરકાયદેસર કામગીરીની સંભવિત જવાબદારીનો આ દાવો નિયમોના ઉલ્લંઘનને યોગ્ય ઠેરવતો નથી. સમગ્ર ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે KP ગ્રુપ કાયદાને નેવે મૂકીને બેફામ રીતે કામગીરી કરી રહ્યું છે. જ્યારે જવાબદાર સરકારી તંત્ર ઊંઘતું ઝડપાયું છે. R&B વિભાગના અધિકારીનો ફોન ન ઉપાડવો અને સ્થાનિક તંત્રને ખોદકામની જાણ ન હોવી, એ દર્શાવે છે કે KP ગ્રુપની દાદાગીરી સામે સિસ્ટમ કેટલી લાચાર બની ગઈ છે. જમીન માલિક મુસ્તાકભાઈની જાગૃતિએ આ ગેરકાયદેસર ગતિવિધિઓને અટકાવી છે, પરંતુ હવે સવાલ એ છે કે વહીવટી તંત્ર આ ગંભીર બેદરકારી સામે ક્યારે કડક પગલાં ભરશે.KP ગ્રુપની તાકાત સામે સરકારી તંત્ર પંગુ! : KP ગ્રુપ દ્વારા કાયદાને નેવે મૂકીને કરવામાં આવી રહેલા ગેરકાયદેસર ખોદકામ અને તેની સામે વહીવટી તંત્રની સ્પષ્ટ લાચારી જોતાં પરિસ્થિતિ ગમે ત્યારે વણસી શકે છે. જો તંત્ર હજુ પણ આંખ આડા કાન કરશે અને KP ગ્રુપની બેફામ દાદાગીરી પર લગામ નહીં કસે તો આગામી સમયમાં જમીન માલિકો અને સ્થાનિક લોકોમાં રોષ ભભૂકે તો નવાઈ નહીં. પોતાની માલિકીની જમીનમાં થઈ રહેલા અતિક્રમણ અને સરકારી અધિકારીઓની નિષ્ક્રિયતાથી ત્રસ્ત જનતા ન્યાય મેળવવા માટે આંદોલનનો માર્ગ અપનાવી શકે છે. તંત્રની આ નિષ્ક્રિયતા KP ગ્રુપને વધુ પ્રોત્સાહન આપી રહી છે, જે આખરે કાયદો અને વ્યવસ્થાની ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે, અને ત્યારે મોડે મોડે પગલાં ભરવા તંત્ર માટે વધુ મુશ્કેલ બની જશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.