વાગરા તાલુકાના કલમ ગામમાં ગ્રામ પંચાયતની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કલમ ગામના કરમતિયા ફળિયા વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા નવી ગટર લાઇનના કામને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ વિસ્તારમાં પહેલેથી જ સારી અને ચોક-અપ વગરની ગટર લાઇન કાર્યરત હોવા છતાં તેને તોડી પાડ્યા વિના નવી લાઇન નાખીને પ્રજાના પૈસાનો ખુલ્લો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
માત્ર એક સભ્ય માટે ગટર લાઇન નાખી હોવાનો ગંભીર આક્ષેપ : સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, આ સમગ્ર કામગીરી માત્ર અને માત્ર પંચાયતના એક સભ્યને લાભ પહોંચાડવાના ઈરાદાથી કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નવી નાખવામાં આવેલી આ ગટર લાઇનમાં ફળિયાના કોઈપણ વ્યક્તિએ કનેક્શન લીધું નથી. તેમ છતાં પંચાયતે માતબર રકમના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક આ ગેરજરૂરી કામ બંધ કરાવવા માટે ઉગ્ર રજૂઆત કરી છે.
ગરીબોને આર્થિક નુકસાન, સ્થાનિકોની ફરિયાદ : ગ્રામજનોએ કડક શબ્દોમાં કહ્યું છે કે, દર પાંચ વર્ષે સરપંચ બદલાય છે. અને સારી ગટર લાઇન તોડફોડ કરીને નવી નાખવામાં આવે છે. અમે ગરીબ વર્ગના લોકો વારે ઘડીએ પાઇપલાઇન નાખવાના રૂપિયા ક્યાંથી લાવીએ? સારી અને કાર્યરત લાઇનને તોડી પ્રજાના પૈસાનું પાણી કરવા સામે સ્થાનિકોએ સખત વિરોધ વ્યક્ત કર્યો છે.
તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઈ : પ્રજાના નાણાંના આ ખુલ્લેઆમ દુરુપયોગ અને બેદરકારી સામે સ્થાનિકોએ પગલાં લીધા છે. આ અંગે વાગરા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોએ માગણી કરી છે કે સરપંચે ખોટી જગ્યાએ નાણાંનો વ્યય કરવાને બદલે જ્યાં ખરેખર ગટર લાઇન કે વિકાસના કામોની જરૂરિયાત છે, ત્યાં પ્રામાણિકતાથી કામો કરવા જોઈએ. ગરીબ વર્ગના નાગરિકોએ ચેતવણી આપી છે કે, જો તાત્કાલિક અસરથી આ બિનજરૂરી કામગીરી બંધ નહીં કરવામાં આવે અને પ્રજાના પૈસાનો દુરુપયોગ અટકાવવામાં નહીં આવે, તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા મજબૂર થશે.
સ્થાનિકોના ઉગ્ર વિરોધ સામે માજી સરપંચે પણ આપી પ્રતિક્રિયા : કલમ ગામે ચાલી રહેલા નવી ગટર લાઇનના કામથી સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. સ્થાનિકો અને માજી સરપંચ અયૂબભાઈ સુલેમાન વગેણીયાના જણાવ્યા અનુસાર ફળિયામાં મોટા ભૂંગળાવાળી અને સંપૂર્ણ કાર્યરત ગટર લાઇન પહેલાથી જ મોજૂદ છે. અને છેલ્લાં પાંચ વર્ષથી તેમાં કોઈ ચોક-અપ કે ઉભરાવવાની ફરિયાદ આવી નથી. તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા પ્રજાના પૈસાનો દુરુપયોગ કરીને માત્ર એક સભ્યને લાભ પહોંચાડવાના ઈરાદાથી આ નવી અને નાના ભૂંગળાવાળી લાઇન નાખવામાં આવી રહી છે. જે ટૂંક સમયમાં ચોકઅપ થઈ જશે તેવી ભીતિ પણ વ્યક્ત થઈ છે. ગ્રામજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે જ્યાં બ્લોક કે રોડ-રસ્તા જેવા ખરેખર જરૂરી કામો બાકી છે. ત્યાં વિકાસ કરવો જોઈએ, નહીં કે સારી લાઇન તોડીને ફુઝુલ ખર્ચો કરવો.
કલમ ગામમાં પંચાયતની મનમાની પર TDOની કાર્યવાહીની રાહ, ગેરરીતિ સાબિત તો કામ અટકાવાશે? : સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ હવે આ સમગ્ર વિવાદમાં વાગરા તાલુકા વિકાસ અધિકારીનું વલણ મહત્ત્વપૂર્ણ બની ગયું છે. ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરી સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સારી ગટર લાઇન હોવા છતાં માત્ર એક સભ્યના હિત માટે પ્રજાના પૈસાનું પાણી કરવામાં આવી રહ્યું છે. TDOએ આક્ષેપોની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક સ્થળ તપાસ કરવી જોઈએ અને જો ગેરરીતિ જણાય તો આ બિનજરૂરી કામગીરી તત્કાલ બંધ કરાવવી પડશે. જો TDO દ્વારા કોઈ કડક કાર્યવાહી નહીં થાય અને પ્રજાના પૈસાનો દુરુપયોગ ચાલુ રહેશે તો ગરીબ વર્ગના સ્થાનિકો દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થવાની શક્યતા છે. જેનાથી પંચાયતની કામગીરી અને વહીવટી પારદર્શિતા પર ગંભીર સવાલો ઊભા થશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com