Geo Gujarat News

વાગરા: કલમ ગામે ગટર લાઇન વિવાદનો અંત, આક્ષેપો બાદ યુ-ટર્ન!, ગટર લાઇનના અરજદારે લેખિતમાં સંતુષ્ટિ આપી

વાગરા તાલુકાના કલમ ગામમાં ગ્રામ પંચાયતની નવી ગટર લાઇન નાખવાની કામગીરીને લઈને ઊભો થયેલો વિવાદ આખરે થાળે પડ્યો છે. થોડા દિવસો પહેલા ગામના કરમતિયા ફળિયા વિસ્તારમાં નવી ગટર લાઇન નાખવાના કામ સામે સ્થાનિકોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પંચાયતની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

સ્થાનિકોનો મુખ્ય આક્ષેપ એ હતો કે, કરમતિયા ફળિયામાં પહેલેથી જ સારી અને ચોક-અપ વગરની ગટર લાઇન કાર્યરત હોવા છતાં તેને તોડ્યા વિના કે બિનકાર્યક્ષમ જાહેર કર્યા વિના, લાખો રૂપિયાના ખર્ચે નવી લાઇન નાખવામાં આવી રહી છે. ગ્રામજનોએ આ કામગીરીને પ્રજાના પૈસાનો ખુલ્લો દુરુપયોગ ગણાવી હતી. વધુમાં, સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ કામ માત્ર અને માત્ર પંચાયતના એક સભ્યને લાભ પહોંચાડવાના ઈરાદાથી કરવામાં આવ્યું છે અને નવી લાઇન નાખ્યા બાદ પણ ફળિયાના કોઈપણ વ્યક્તિએ તેમાં કનેક્શન લીધું નથી. એક ગ્રામજને કડક શબ્દોમાં રજૂઆત કરી હતી કે દર પાંચ વર્ષે સરપંચ બદલાય છે. અને સારી ગટર લાઇન તોડફોડ કરીને નવી નાખવામાં આવે છે. અમે ગરીબ વર્ગના લોકો વારે ઘડીએ પાઇપલાઇન નાખવાના રૂપિયા ક્યાંથી લાવીએ?. સ્થાનિકોએ માગણી કરી હતી કે, સરપંચે ખોટી જગ્યાએ નાણાંનો વ્યય કરવાને બદલે જ્યાં ખરેખર જરૂરિયાત હોય ત્યાં પ્રામાણિકતાથી કામ કરવું જોઈએ. પ્રજાના નાણાંના આ કથિત દુરુપયોગ અને બેદરકારી સામે પગલાં લેતા ગ્રામજનોએ તાત્કાલિક કામ બંધ કરાવવા માટે વાગરા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી.જોકે, આ સમગ્ર વિવાદમાં નવો વળાંક આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર TDO સમક્ષ અરજી કરનાર અરજદારે ત્યાર બાદ પંચાયતમાં લેખિતમાં ખુલાસો આપ્યો છે. આ ખુલાસામાં અરજદારે જણાવ્યું છે કે.લ, તેમને વિકાસના કામો બાબતે પૂછેલા પ્રશ્નોના સંતુષ્ટ જવાબો મળ્યા છે. અને તેઓએ પંચાયતના ખુલાસા અંગે પોતાની સંતુષ્ટિ વ્યક્ત કરી હતી. આ લેખિત ખુલાસા બાદ કલમ ગામમાં ગટર લાઇનને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે.આ વિવાદ અંગે સરપંચ ચેતનભાઈ જયરામભાઈ આહિરે પણ સ્પષ્ટતા કરી હતી કે ગટર લાઇનનું કામ યોગ્ય છે અને તેની જરૂરિયાત હતી, અને આ વિરોધ માજી સરપંચ દ્વારા રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવ્યો હતો. સરપંચના મતે, આક્ષેપ કરનાર બેનને પણ સ્થળ પરની ચકાસણી અને તલાટી સમક્ષની વાતચીત બાદ સંતોષકારક જવાબ મળતા, હાલમાં વિકાસનું કામ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યું છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.