Geo Gujarat News

વાગરા: વિલાયત ખાતે સૈયદ હુસૈન મિયા બાવાના ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી, હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા!

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા વિલાયત સ્થિત સૈયદ હુસૈન મિયા બાવા સાહેબના ઉર્ષ શરીફની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં ભરૂચ, સુરત, વડોદરા અને અમદાવાદ સહિતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું હતું. કાર્યક્રમની શરૂઆત ગામમાં આવેલ હુશેની મસ્જિદ, દાજી પુરા ફળિયા નજીકથી થઈ હતી. અહીંથી નાત શરીફ અને સલાતો સલમાનનું પઠન કરાતાં એક ભવ્ય ઝુલુસ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓથી ઉમટી પડેલું આ ઝુલુસ ધીમે ધીમે સૈયદ હુસૈન મિયા બાવાની દરગાહ શરીફ ખાતે પહોંચ્યું હતું. દરગાહ શરીફ ખાતે પહોંચ્યા બાદ આસ્થાભેર સંદલ શરીફ પેશ કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અવસરે વિશેષ ધાર્મિક દુઆઓ ગુજારવામાં આવી હતી, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.આ ઉર્ષ શરીફમાં ઉપસ્થિત મહાનુભાવોમાં બોરસદથી ખલિફાએ શૈખુલ ઇસ્લામ હજરત સૈયદ જાવીદ બાવા, બુલ બુલે બાગે મદીના હાફેજ કારી હજરત મકસુદ સાહબ, અને જાન નશીને સૈયદ હુસેનમિયાના સહજાદા સૈયદ હજરત મુનાફ બાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સ્થાનિક હાફેજો અને આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપીને ધાર્મિક લાગણી વ્યક્ત કરી હતી. સૈયદ હુસૈન મિયા બાવાના આ ઉર્ષ શરીફની ઉજવણીએ કોમી એખલાસ અને ધાર્મિક આસ્થાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જ્યાં તમામ શ્રદ્ધાળુઓએ એકસાથે આવીને આ પવિત્ર પ્રસંગની ઉજવણી કરી હતી.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.