ભરૂચના ઝાડેશ્વર વિસ્તારના રહેવાસી જયેશભાઈ પ્રજાપતિને દેરોલ નજીક ગોકળગતિએ ચાલી રહેલા રોડ નવનિર્માણ કાર્યની બેદરકારીનો ભોગ બનવું પડ્યું છે. રોડ પરના જીવલેણ ખાડામાં પટકાતા તેમની બાઇકની ચેસીસ તૂટી ગઈ હતી. સદભાગ્યે જયેશભાઈનો જીવ બચી ગયો છે. પરંતુ આ ઘટનાએ તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની મનમાનીને ફરી એકવાર ઉજાગર કરી છે. અંદાજિત 4-5 મહિનાથી ચાલી રહેલી દેરોલ રોડની કામગીરી હવે વાગરા વિસ્તારની પ્રજા માટે માથાનો દુખાવો બની ગઈ છે. ઠેર-ઠેર પડેલા મોટા ખાડાઓના કારણે વાહનચાલકો સતત જીવનું જોખમ ખેડી રહ્યા છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પ્રજાના તહેવારો પણ બગડ્યા છે અને સ્થાનિક ધંધાદારીઓને પણ રસ્તો ખરાબ હોવાને લીધે ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
આ સંજોગોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની મનમાની સામે હવે પ્રજાનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. જાગૃત આગેવાન અને ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર પટેલ ઇમ્તિયાઝ દ્વારા આ બિનરાજકીય જનવેદના તંત્ર સુધી પહોંચાડવા માટે એક જન આક્રોશ કાર્યક્રમનું આહવાન કરવામાં આવ્યું છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં રોડનું કામ પૂરઝડપે પૂર્ણ નહીં થાય તો તારીખ 08 નવેમ્બર, 2025 ના રોજ પટેલ ઇમ્તિયાઝ સહિતના જાગૃત આગેવાનો નજીકની પંચાયતો સાથે ભેગા મળીને આ કાર્યક્રમ યોજશે.
આ જન આક્રોશ કાર્યક્રમમાં વાગરાના ધારાસભ્ય અને ભરૂચના લોકસાંસદ મનસુખ વસાવાને પણ જોડાવા અને વાગરા તાલુકાની પ્રજાની વેદનાના દર્શન કરવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હવે સવાલ એ છે કે, વહીવટી વિભાગ આવા લેભાગુ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરીને પ્રજાનો વિશ્વાસ જીતવામાં સફળ થશે કે પછી તેરી ભી ચુપ ઓર મેરી ભી ચુપની નીતિ અપનાવીને માત્ર ખોટું ડહાપણ કરશે? પ્રજાની માંગ છે કે, તંત્ર તાત્કાલિક ધોરણે પગલાં ભરીને આ રોડનું કામ ગુણવત્તા સાથે પૂર્ણ કરાવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે દાખલો બેસાડે તેવી કાર્યવાહી કરે.
પટેલ ઇમ્તિયાઝે રોષપૂર્વક જણાવ્યું કે, આ કામ ગુણવત્તાભર્યું હોવું જોઈએ, પણ તેમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. અહીં એક બાઇક ચાલક જયેશભાઈ પ્રજાપતિ પોતાનો જીવ ગુમાવતાં બચ્યા છે અને તેમને મોટી નુકશાની વેઠવી પડી છે, જે સીધી રીતે કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારનું પરિણામ છે. તેમણે ભરૂચ જિલ્લાના વહીવટી પ્રશાસન, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને લોકસભાના સાંસદ મનસુખ વસાવા સાહેબને સીધું આહવાન કર્યું છે કે, આવનારી તારીખ 08 નવેમ્બર, 2025 ના રોજ સ્થાનિક આગેવાનો દ્વારા રોડના વહેલી તકે સમારકામ માટે જે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્વયંસેવક તરીકે કોઈપણ રાજકીય લોભ રાખ્યા વિના પ્રજાની વેદના દૂર કરવા માટે જોડાય. અંતે, પટેલ ઇમ્તિયાઝે સવાલ ઉઠાવ્યો હતો કે, શું વહીવટી વિભાગ આવા લેભાગુ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરી પ્રજાનો વિશ્વાસ જીતશે કે પછી તેરી ભી ચુપ મેરી ભી ચુપની નીતિ અપનાવી ખોટું ડહાપણ કરશે? તેમણે આશા વ્યક્ત કરી હતી કે પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાની વેદના દૂર કરવામાં સહભાગી બનશે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com