આમોદ તાલુકાની આશરે ૯૫ જેટલી આંગણવાડી બહેનોએ ધરતી બાણા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ યોજના અંતર્ગત સોંપાયેલી નવી કામગીરી સામે બળવો પોકાર્યો છે. આ બહેનોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરીને સ્પષ્ટ જણાવ્યું છે કે, નવી જવાબદારીઓનું અમલ કરવું તેમના માટે અશક્ય બની ગયું છે. આંગણવાડી બહેનોના જણાવ્યા અનુસાર, તેઓ પહેલેથી જ બાળકોનું પોષણ, આરોગ્ય ચકાસણી, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને રેકોર્ડ મેઇન્ટેનન્સ જેવી અનેક દૈનિક ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે. હવે નવી યોજનાના ડિજિટલ કામો ઉમેરાતા, રોજિંદા કાર્ય સાથે તેનો ભાર સહન કરવો અત્યંત મુશ્કેલ બની ગયો છે. બહેનોએ ફરિયાદ કરી છે કે અનેક ગામોમાં મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટની ભયંકર અછત હોવાથી ઓનલાઈન કામગીરી કરવી શક્ય નથી. આ સમસ્યાના કારણે, આંગણવાડી બહેનોએ સર્વસંમતિથી મોબાઇલ સીમકાર્ડ દ્વારા ઓનલાઈન રિપોર્ટિંગ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આંગણવાડી બહેનોએ સરકારને ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે જો તેમની આ મુશ્કેલીઓને ગંભીરતાથી લેવામાં નહીં આવે અને ઉકેલ નહીં લાવવામાં આવે, તો આગામી તારીખ ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ અમદાવાદ શહેરમાં એક મોટું આંદોલન છેડવામાં આવશે. આ આંદોલનના ભાગરૂપે આશરે ૧.૫ લાખ આંગણવાડી બહેનોની ભવ્ય રેલી યોજીને મુખ્યમંત્રીને સીધી રજૂઆત કરવામાં આવશે. બહેનોએ સ્પષ્ટતા કરી છે કે આ આંદોલન કોઈ રાજકીય હેતુ માટે નથી, પરંતુ આંગણવાડી બહેનોના હિત, ન્યાય અને માન-સન્માન માટેનો સંઘર્ષ છે. તેમની માંગણીઓ ન સ્વીકારાય તો આગામી દિવસોમાં ગુજરાતના આંગણવાડી કાર્યકરોનો આક્રોશ વધુ વધે તેવી સંભાવના છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com