Geo Gujarat News

વાગરા: ઔદ્યોગિક સલામતી પર ભાર: કલરટેક્સ વિલાયત ખાતે સેફટી ઓફિસરો માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરાયું

વાગરાની ઔદ્યોગિક એકમોમાં કામદારોનું સ્વાસ્થ્ય અને સલામતી જળવાઈ રહે તે હેતુસર, વિલાયત GIDC સ્થિત કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. ખાતે ગુરુવાર, તારીખ 06-11-2025 ના રોજ એક મહત્ત્વપૂર્ણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ નિયામક, ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી વિભાગ, ભરૂચ કચેરી દ્વારા આયોજિત આ શિબિરમાં વિલાયત, દહેજ, પાલેજ, જંબુસર અને સાયખા GIDCના ઔદ્યોગિક એકમોના મોટી સંખ્યામાં સલામતી વિભાગના કર્મચારીઓ અને પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તાલીમ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગોમાં થતા અકસ્માતો અને ઇજાઓને અટકાવવા માટેની જરૂરી સાવધાનીઓ અંગે કર્મચારીઓને માહિતગાર કરવાનો હતો. ખાસ કરીને, શિયાળાની ઋતુમાં સ્ટેટિક ચાર્જને કારણે થતા આગ-અકસ્માતોના બનાવોને રોકવા માટે લેવાના પગલાંઓ અને જરૂરી સાવચેતી અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે, ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી વિભાગના નાયબ નિયામક શ્રી ડી.બી. ગામીત, મદદનીશ નિયામક શ્રી વિમલ હળવડીયા, અને અધિકારી શ્રી આશુતોષ મેરૈયા દ્વારા ઉપસ્થિત ઉદ્યોગોના પ્રતિનિધિઓને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ નાયબ નિયામક શ્રી ડી.કે. દવે સાહેબે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના વિવિધ વિષયો પર વિસ્તૃત સમજ આપી હતી. આ ઉપરાંત, સુપરફોર્મ સંસ્થાના સલામતી અધિકારી દ્વારા ફોસજીન સેફટી તેમજ વિવિધ સોલ્વન્ટ પ્રકારના રસાયણના હેન્ડલિંગમાં રાખવાની સાવચેતી અંગેની સમજણ અપાઈ હતી. તેમણે ગુજરાત ફેક્ટરી રૂલ્સ મુજબ કારખાનામાં સેફટી ઓફિસરની ભૂમિકા પણ સ્પષ્ટ કરી હતી. નાયબ નિયામક ડી.બી. ગામીત દ્વારા છેલ્લા વર્ષ દરમિયાન ઔદ્યોગિક અકસ્માતો અને જાનહાનીનું વિગતવાર પૃથક્કરણ રજૂ કરવામાં આવ્યું હતું, જેની ગંભીરતા સાયખા અને વિલાયતના ઉદ્યોગકારોએ લીધી હતી. ઉદ્યોગોના પ્રતિનિધિઓએ બાંહેધરી આપી હતી કે તેઓ તેમના એકમોમાં ઔદ્યોગિક સ્વાસ્થ્ય, સલામતી અને પર્યાવરણીય સુરક્ષા માટે ઉચ્ચ માપદંડો અપનાવશે અને સંપૂર્ણ કાળજી લેશે.આ તાલીમ શિબિરમાં વિલાયત એસોસિએશનના માનદ મંત્રી ડો.મહેશ વશી, ગ્રાસીમ યુનિટ હેડ અને એસોસિએશનના ઉપપ્રમુખ રામ કુમાર, જ્યુબિલન્ટના હેડ ગુરીશ ખોસલા, અને સાયખા એસોસિએશનના પ્રતિકભાઈ દેવાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા બદલ વિલાયત કલરટેક્સ કંપનીના કર્મચારીઓની મહેનતની વિલાયત અને સાયખા એસોસિએશને પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.