Geo Gujarat News

આમોદમાં ૭.૫૧ કરોડના તળાવ બ્યુટીફિકેશન કામમાં ભ્રષ્ટાચારની ગંધ, વિજિલન્સ તપાસની લોકમાંગ

આમોદ નગરપાલિકા વિસ્તારમાં ૭.૫૧ કરોડના ખર્ચે ચાલી રહેલી તળાવ બ્યુટીફિકેશન યોજના શરૂઆતથી જ વિવાદો અને શંકાઓમાં ઘેરાઈ છે. સ્થાનિક જાગૃત નાગરિકોએ ગુણવત્તાની ઉણપ અને કામની તકલાદી પદ્ધતિ અંગે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં, નગરપાલિકા તંત્ર અને સંકળાયેલા અધિકારીઓએ કોઈ પગલાં લીધા નથી. હાલમાં કામ પૂર્ણ થવાના પહેલાં જ તળાવની દિવાલો, પેવર બ્લોક અને અન્ય માળખાકીય ભાગોમાં તિરાડો પડવા લાગી છે. પરિણામે કોન્ટ્રાક્ટર દ્વારા ફરી રીપેરીંગના નામે નવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે મૂળ કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કરે છે. જાહેર નાણાંમાંથી કરોડોની ગ્રાન્ટ ખર્ચાયા પછી આવી દયનીય સ્થિતિ સર્જાવા નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.નાગરિકોએ વિજિલન્સ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવાની, તેમજ સંકળાયેલા અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્ર સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. જાગૃત નાગરિકોનું માનવું છે કે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો સરકારની કરોડોની ગ્રાન્ટ વ્યર્થ જશે અને ભવિષ્યમાં આવું કૌભાંડ વધારાનો રસ્તો ખોલશે. જનહિતમાં યોગ્ય પગલું એ જ ગણાશે કે તાત્કાલિક વિજિલન્સ તપાસ શરૂ કરી દોષિતોને સજા કરવામાં આવે અને સમગ્ર ખર્ચનું સ્વતંત્ર ઓડિટ કરીને હકીકત જાહેર કરવામાં આવે.

યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.